તાપી જિલ્લામાં વેક્સિનેશનનો ડોઝ એક લાખને પાર
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : 28: તાપી જિલ્લામાં થોડાક દિવસોમાં કોરોના કેસોની સંખ્યામાં વધારો થયો છે પરંતુ અગાઉ જે રીતે જિલ્લા વહિવટી તંત્રએ કોરોનાને કાબૂમાં રાખ્યો હતો તેનો શ્રેય તંત્ર સાથે જિલ્લાના નાગરિકોને પણ જાય છે. વેક્સિન ઉપલબ્ધ ન હોવા છતા જિલ્લા કલેક્ટર આર.જે. હાલાણીના માર્ગદર્શન હેઠળ તંત્રએ આયોજનબદ્ધ રીતે કામગીરી કરી હતી તો બીજી તરફ નાગરિકોએ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલ તમામ દિશાનિર્દેશોનું ચુસ્તપણે પાલન કરી સોશિયલ ડિસ્ટેન્સિંગ, માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કર્યો હતો અને હાલ પણ કરી રહ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં જે રીતે જિલ્લામાં કેસો સામે આવ્યા છે તેને ધ્યાનમાં રાખીને તંત્રએ પણ રસીકરણની પ્રક્રિયા ઝડપી બનાવી છે. નાગરિકો પણ આ મહામારીની ગંભીરતા સમજીને રસી લેવા માટે પ્રેરાયા છે. આજે જિલ્લામાં એક લાખથી વધુ લોકોને રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હર્ષદ પટેલ દ્વારા મળેલ વિગતો મુજબ આજ દિન સુધી જિલ્લામાં 100531 લોકોને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવી છે. જે પૈકી વ્યારા તાલુકામાં 24676, ડોલવણમાં 12530, વાલોડમાં 13971, સોનગઢમાં 27971, ઉચ્છલમાં 8945, નિઝરમાં 7822, કુકરમુંડામાં 4616 લોકોને રસીકરણ હેઠળ આવરી લેવાયા છે. ડો. હર્ષદ પટેલે જણાવ્યું કે, શરૂઆતમાં લોકો વેક્સિન લેવામાં અચકાતા હતા કારણ કે લોકોમાં વેક્સિનની કોઈ આડઅસર ન થઈ જાય તેનો ભય હતો. પરંતુ ડો. હર્ષદ પટેલે પોતે વેક્સિનનો ડોઝ લઈ તાપી સીઓને વેક્સિનની કોઈ આડઅસર નથી અને તે બિલકુલ સુરક્ષિત છે તેવું જણાવ્યું હતુ અને લોકોને વેક્સિન લેવા માટે સૂચનો કર્યા હતા પરિણામ સ્વરૂપ આજે જિલ્લામાં 1 લાખથી વધુ લોકો વેક્સિનનો ડોઝ લઈ ચુક્યા છે.
૦૦૦૦૦૦