રસાયણનો ઉપયોગ ઘટાડીને રોગમુક્ત અને તંદુરસ્ત સમાજનું નિર્માણ કરીએ : ડો . વલ્લભભાઈ કથીરીયા 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત તાપી જિલ્લાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યરત છે . આ કેન્દ્ર દ્વારા આજ તા . ૨૦ / ૦૪ / ૨૦૨૧ ના રોજ જમીન સુપોષણ અને સંરક્ષણ જનજાગૃત્તિ ” કાર્યક્રમનું ડાયલ – આઉટ કોન્ફરન્સ દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશનના સહકારથી આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં તાપી જીલ્લાના ફ્લ ૧૫ ગામોના ૧૫૦ ખેડૂત ભાઈ – બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો .

રાષ્ટ્રીય ગૌસેવા આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ અને આજના કાર્યક્રમના અધ્યક્ષ આદરણીય ડો . વલ્લભભાઈ કથીરીયાએ જણાવ્યું હતું કે જળ , જમીન અને જીવ બચાવવાનું અભિયાન એટલે જમીન સુપોષણ અને સંરક્ષણ . ડો . કથીરીયાએ જણાવ્યું હતું કે આપણે વધારે પડતો અને અયોગ્ય માત્રામાં રસાયણોનો ઉપયોગ કરીને જમીનને ઝેર યુક્ત બનાવી નબળી કરી દીધી છે જેથી પાકની ઉત્પાદકતા પણ ઘટી ગઈ છે . અન્નમાં ઝેરી તત્વોના લીધે માનવ સ્વાધ્ય સામે ખતરો ઉભો થયેલો છે . જેના માટે હાલના સમયમાં ગૌ આધારિત ખેતી એક માત્ર વિકલ્પ છે . જેના માટે આપણે ગૌ આધારિત ખેતી કરીશું તો રોગમુક્ત અને તંદુરસ્ત સમાજનું નિર્માણ કરી શકીશું .

કાર્યક્રમના મુખ્ય મહેમાનશ્રી અને પ્રાંત ગ્રામ વિકાસ પ્રમુખ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ , ગુજરાતના ડો . પરેશભાઈ વ્યાસએ જણાવ્યું હતું કે આપણે ભૂમિને મા તરીકે પોકારીએ છીએ માનું સ્થાન સર્વોચ્ચ છે . ભારત દેશની ધરતી ઋષિઓ અને દેવોની ભૂમી છે . આ ભૂમિ સુપોષણ અભિયાન દ્વારા ભારતની સાથે સાથે વિશ્વના કલ્યાણની પણ ભાવના જોડાયેલી છે . અભિયાનનો મુખ્ય ધ્યેય વ્યવહારીક જીવનને ભૂમિ સાથે જોડવાનો છે . તેમણે જણાવ્યું હતું કે વનવાસીઓ કુદરતના રૂપને સચોટ રીતે ઓળખી શકે છે . વધુમાં તેમણે ભૂમિ સુપોષણ અભિયાનને ભારતીય સંસ્કૃતિ સાથે જોડીને ખૂબજ સરળ ભાષામાં આ અભિયાનની મહત્તા સમજાવી હતી .

કાર્યક્રમના અતિથી વિશેષશ્રી અને માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી , ન.કૃ.યુ. , નવસારીના ડો . સી . કે . ટીંબડીયાએ આ જનજાગૃતિ અભિયાનનો હેતુ સમજાવી જણાવ્યું હતું કે જમીનમાં સુક્ષ્મ જીવાણુઓની વસ્તી અને અળસીયા નહી હોય તો આગામી સમયમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે . ડો . ટીંબડીયાએ જણાવ્યું હતું કે રસાયણોનો ઉપયોગ ઘટાડીને આપણે પ્રકૃતિનું જતન કરવું પડશે . પ્રો . કે . એન . રણા , વૈજ્ઞાનિક ( પાક ઉત્પાદન ) , કેવીકે – વ્યારાએ જમીન સુપોષણ અને સંરક્ષણ વિશે વિસ્તૃત રીતે સરળ ભાષામાં ખેડૂતોને માહિતી આપી હતી . કાર્યક્રમનું સફળ સંચાલન અને આભારવિધિ કેવીકેના વડા ડૉ . સી . ડી . પંડયાએ કર્યું હતું .

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other