તાપી જિલ્લામાં ૨૫ વધારાના વેન્ટીલેટરની ફાળવણી કરાઈ
જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે ૩૨ અને કાલિદાસ હોસ્પિટલ ખાતે ૧૫ વેન્ટીલેટરની સુવિધા ઉપલબ્ધ
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી): તા.19: તાપી જિલ્લામાં કોરોનાના વધતા કેસો જોતા નાગરીકોને સ્થાનિક સ્તરે કોવિદ સારવારની સઘન સુવિધાઓ મળી રહે તે માટે તાપી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જનસમુદાયના હિત માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં ઉભી કરાયેલ કોવિડ હોસ્પીટલોની સુવિધાઓમાં વધારો કરવાના ભાગરૂપે તાપી જિલ્લા માટે સરકારે તા.૧૭.૦૪.૨૦૨૧ ના રોજ ૨૫ વેન્ટીલેટરની ફાળવણી ગુજરાત મેડીકલ સર્વિસીસ લીમીટેડ ગાંધીનગર દ્વારા જનરલ હોસ્પિટલ વ્યારાને કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ ૨૫ વેન્ટીલેટર સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાના પ્રયાસોથી તાપી જિલ્લાને ફાળવવામાં આવ્યા છે. આ વેન્ટીલેટર પ્રાપ્ત થતા જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે કુલ ૩૨ તથા કાલિદાસ હોસ્પિટલ ખાતે ૧૫ વેન્ટીલેટરની સુવિધા ઉપલબ્ધ છે. આથી જિલ્લાના કોરોનાથી સંક્રમિત દર્દીઓને સારવાર દરમ્યાન ઓકસીજન વેન્ટીલેટરની સુવિધા સહેલાઈથી મળી રહેશે.
૦૦૦૦૦૦