માંગરોળના વાંકલ ખાતે કન્યા છાત્રાલયમાં કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ
બીજા 60 જેટલા બેડની વ્યવસ્થા કરી દર્દીઓને ઓક્સિજનની સુવિધા પૂરી પાડવામાં આવશે : દિલીપસિંહ રાઠોડ
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે. ત્યારે અહીંના રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષો દ્વારા કોવિડ કેર સેન્ટર તાત્કાલિક ધોરણે શરૂ કરવા માંગ કરાઇ હતી. છેલ્લા કેટલાંક દિવસોથી તાલુકામાં કોરોના સંક્રમિત આઠથી વધુ દર્દીઓના મોત થતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. દર્દીઓને સારવાર ન મળતાં મૃત્યુ થયા હોવાની ફરિયાદ ઉઠી હતી. ત્યારે 15 એપ્રિલનાં રોજ સરકારી કન્યા છાત્રાલય ખાતે તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હાલ 60 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિસ્તારનાં કોરોનાનાં સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને રાખવામાં આવશે.
આ પ્રસંગે સુરત જિલ્લાના માજી પ્રમુખ દિલીપસિંહ રાઠોડ,માંડવી પ્રાંત અધિકારી, ડેપ્યુટી ડીડીઓ અમિતભાઈ ગામીત, તાલુકા વિકાસ અધિકારી, ઉપપ્રમુખ ભરતભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ મહાવીરસિંહ પરમાર, દીપકભાઈ વસાવા, દીપકભાઈ ચૌધરી, ડૉ. યુવરાજસિંહ સોનારીયા, મુકુંદભાઈ પટેલ, મહેશભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતાં.