તાપી જિલ્લામાં કોરોના પ્રતિરોધક રસીકરણનો આંકડો ૯૦ હજારને પાર
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : તા.૧૫: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલ કોરોના સંક્રમણને અટકાવવા રાજ્ય સરકાર દ્વારા “સાવચેતી એજ સલામતી” ના મંત્ર સાથે રસીકરણ કામગીરીને વેગવાન બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે તાપી જિલ્લામાં પણ હાલ કોરોનાના કેસો વધતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન પગલા લેવામાં આવી રહ્યા છે. આ માટે જિલ્લાના ૪૫ થી ૬૦ વર્ષની વયના તથા ૬૦ વર્ષથી વધુ વયની વ્યક્તિઓને રસીકરણ હેઠળ આવરી લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદ પટેલની સીધી દેખરેખ હેઠળ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સરપંચ, તલાટી કમ મંત્રી, આશા વર્કરો, આંગણવાડી કાર્યકરો સહિત પાયાના સ્તરે કામ કરતા ક્ર્મચારીઓ દ્વારા રસીકરણ ઝુંબેશને સફળ બનાવવાના તમામ પ્રયાસો કરીને સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો, ખાનગી હોસ્પિટલમાં સતત વેક્સિનેશનની કામગીરી સુવ્યવસ્થીત રીતે પુરી કરવામાં આવી રહી છે. મુ.જિ.આરોગ્ય અધિકારી ડો.હર્ષદ પટેલના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં ૯૦૮૬૬ નાગરિકોને આવરી લેવાયા છે. જે પૈકી વ્યારા તાલુકામાં ૨૨૫૦૦, ડોલવણમાં ૧૦૯૭૫, સોનગઢમાં ૨૪૫૭૩, વાલોડમાં ૧૩૦૬૧, ઉચ્છલમાં ૮૦૦૮, નિઝરમાં ૭૪૩૩, કુકરમુંડામાં ૪૩૧૬, સહિત કુલ-૯૦૮૬૬ નાગરિકોને કોરોના પ્રતિરોધક રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો.
વહીવટી તંત્રના અધિકારી/કર્મચારીઓ ઉપરાંત સામાજિક, રાજકિય, ધાર્મિક આગેવાનો દ્વારા કરવામાં આવેલી અપીલના પગલે વરિષ્ઠ અને કો-મોર્બિડિટી ધરાવતા નાગરિકો મોટી સંખ્યામાં રસી લેવા માટે આગળ આવી રહ્યા છે. ૦૦૦૦૦૦૦