કિમ ખાતે રૂ.૧.૧૦ કરોડના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ
ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : ઓલપાડ તાલુકાના કિમ ટાઉન સહિત આજુબાજુના ૧૮ ગામોને આરોગ્યની અદ્યતન સેવા-સુવિધા મળી રહે એ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.૧.૧૦ કરોડના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઉમદા આરોગ્ય સેવા આપવા માટે પ્રતિબદ્ધ રાજ્ય સરકાર દ્વારા કિમ ખાતે લોકાર્પિત થયેલું આરોગ્ય કેન્દ્ર ઓલપાડ તાલુકાની આરોગ્ય સુવિધામાં વધારો કરશે. આસપાસના ૧૮ જેટલા ગામોને આરોગ્ય સેવા મળી રહેશે. હાલ કોરોના કાળમાં પણ આ કેન્દ્ર પ્રાથમિક સારવાર મેળવવા માટે આશીર્વાદરૂપ બનશે. પ્રસુતિ, રસીકરણ જેવી વિવિધ આરોગ્યલક્ષી સેવામાં પણ આ કેન્દ્ર ઉપયોગી બની રહેશે.
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અમિતભાઈ પટેલ, તા.પંચાયત સભ્ય નીતાબેન અને રેખાબેન, ઈ.તાલુકા આરોગ્ય અધિકારી ડો. કુણાલભાઈ, શ્રી વનરાજભાઈ સહિત ગ્રામજનો અને આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.