ઓલપાડ તાલુકાના ભાંડુત ગામના વતની ધર્મેશ પટેલે 1 વર્ષમાં 5555 km સાયકલિંગ પૂર્ણ કરી રેકોર્ડ સર્જ્યો
કોબા પ્રાથમિક શાળામાં મુખ્યશિક્ષક તરીકે ફરજ બજાવતા ધર્મેશ પટેલનું અણનમ સાહસ
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : ‘આપણામાં દૈવી અગ્નિથી જન્મેલા પ્રયત્નોને પાંખો આપવી જોઈએ અને તેનો મહિમા આખા વિશ્વએ અનુભવવો જોઈએ.’ કલામ સાહેબની આત્મકથાના પ્રથમ પેજના આ વાક્યથી પ્રેરિત થઈ સમજાય કે મહેનત કરવાથી જ સફળતા પ્રાપ્ત થાય છે, માત્ર મનોરથ હાંકવાથી કોઈ લક્ષ્ય મળતું નથી. આ વિધાનને સાકાર કરવા સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ભાંડુત ગામના વતની અને કોબા પ્રાથમિક શાળામાં મુખ્યશિક્ષક તરીકે ફરજ બજાવતા ધર્મેશ પટેલે સ્વાસ્થ્ય તેમજ આરોગ્યપ્રદ પ્રવૃત્તિઓ તરફ સ્વયં તેમજ અન્યોને વાળી પ્રેરણાદાયી કાર્ય કર્યું છે. ગત વર્ષે સરકારશ્રીએ ૨૩ માર્ચથી લોકડાઉન જાહેર કર્યું હતું, શાળાઓ બંધ હતી. આવા કપરા સમયમાં તંદુરસ્તી પ્રત્યે સભાન થઈ આ શિક્ષકે ૪૦ વર્ષની વયે એક અનોખી પ્રવૃત્તિ શરૂ કરી. તારીખ ૧૩/૩/૨૦૨૦ના રોજ મિત્રની સાઈકલ લાવી સાયકલિંગની શરૂઆત કરી. શરૂઆતમાં પાંચ થી કિમી આરંભેલી આ સવારી જોતજોતામાં એકસાથે ૧૫૦ કિમી સુધી પહોંચી. સાથી સહાધ્યાયી અને શિક્ષક મિત્ર એવા વલસાડ જિલ્લાના રનર અને રાઇડર અશ્વિન ટંડેલની સલાહ સાથે ધીમે ધીમે રનિંગની પ્રેક્ટિસ શરૂ કરી. ત્રણ થી ચાર મહિના આ બધી પ્રવૃત્તિઓથી શરીર અને મન બંને સજ્જ થઈ જતા આ શિક્ષક પ્રથમ વખત સ્પર્ધક તરીકે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દસ કિમી દોડમાં જોડાયા. નવી રાહ મળતા આગળ વધ્યા. અનેક ઓનલાઈન રન અને રાઇડમાં લગભગ ત્રીસથી વધુ મેડલ અને પ્રમાણપત્ર મેળવ્યા. કમાનથી છૂટેલા તીરને લક્ષ્ય સુધી જતા કોણ રોકી શકે? સદર શિક્ષક અને તેમની ટીમ છેક ગુજરાતની સરહદે આવેલા કચ્છના રણમાં દોડવા પહોંચ્યા. ટીમના ચાર મિત્રો સિદ્ધિ મેળવી પરત થયા.
ત્યાર બાદ સુરતની આસપાસના સ્થળો તેમજ ઐતિહાસિક દાંડીયાત્રાના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ સ્વરૂપે ૧૫૦ કિમી લાંબી સાઈકલયાત્રા કરી રાષ્ટ્રને સમર્પિત કરી.
ટાઢ, તાપ કે વરસાદ હોય , દુર્ગમ પંથ કાપી અંતરને ઉજાગર કરવા તેમજ યુવા ધનને પ્રોત્સાહિત કરવાના સ્વામિનારાયણ સંપ્રદાયના યુવા નિર્દેશક પદે કાર્યરત એવા આ કર્મનિષ્ઠ ગુરુજી સદૈવ તત્પર રહે છે. એ સાથોસાથ પર્યાવરણ પ્રત્યે પણ એમની અલાયદી મિત્રતા છે. શાળા કક્ષાએ જુદી જુદી ઔષધિઓ અને વૃક્ષો વાવી રમણીય ઇકો ક્લબ તૈયાર કરેલ છે જે પરથી એમની સાર્વત્રિક દીર્ઘદૃષ્ટિનો પરિચય થાય છે.
Strava નામની એક એપ દ્વારા તેમણે પોતે ભરેલ દરેક પગલા અને કિમીની નોંધ સાચવી છે જેનું મીટર હાલ ૫૦૦૦ કિમી નિર્દેશ કરે છે. જે પોતાનામાં એક આગવી મહારથ છે.
દ્રઢ સંકલ્પ અને પ્રબળ નિષ્ઠા તેમજ આત્મવિશ્વાસ તથા મિત્રોના સહકાર અને પ્રોત્સાહના બળે શિક્ષણ સાથે સંકળાયેલા આ સારસ્વતમિત્રે કોરોના જેવી મહામારીના કાળમાં સમાજ અને યુવા વર્ગને નવી રાહ ચીંધી છે.
આરોગ્ય , પર્યાવરણ અને સશક્ત રાષ્ટ્રના નિર્માણ માટે એમણે ’13 રન એન્ડ રાઇડ ગૃપ’ ની સ્થાપના કરી છે જેમાં તેમના સાથી સહાધ્યાયી શિક્ષક મિત્રો અને ગ્રામ યુવા વર્ગ સામેલ છે. જેનું ઉદ્દેશ્ય જનજાગૃતિ અને રાષ્ટ્રીય એકતા છે. તેમનો યુવાઓને એક જ સંદેશ છે કે આળસ મરડી ઊભા થાઓ, મોબાઈલ છોડી મેદાને પડો, પહેલું પગલું ભરો પછી બધું સરળ છે. તમારા વિચારો વ્યક્ત કરો, પોલીસ કે સૈનિક બનીને જ દેશની સેવા થાય એવું નથી, તમે પોતે એક દિવ્યશક્તિના સ્ત્રોત છો. આ ઊર્જાને યોગ્ય દિશા આપો કે જેથી સમગ્ર સૃષ્ટિ તમારું સ્વાગત કરે.