તાપી જિલ્લામાં આયુર્વેદ ઉકાળા, સંશમની વટી, આર્સેનિક આલ્બમ-30 નું વિતરણ કરવામાં આવ્યું
તાપી જિલ્લાના 6873 લોકોને નિ:શુલ્ક ઉકાળા વિતરણ
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા): -તાપી: તા.13: રાજયમાં કોવિડ-૧૯ સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા હકારાત્મક અભિગમ સાથે આયુર્વેદ અને હોમીયોપેથી પધ્ધતિથી સ્વસ્થ રહેવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે કલેક્ટર આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના આયુર્વેદ અધિકારી તાપી દ્વારા આયુર્વેદિક ઉકાળા, સંશમની વટી,અને હોમીયોપેથી આર્સેનિક આલ્બમ-30નું વિતરણ કરવામાં આવ્યું હતું.
જિલ્લામાં ગામે ગામ કોરોના સામે સાવચેતી માટેના જનજાગૃતિ કાર્યક્રમને ઝુંબેશરૂપે આ સેવાકિય કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં કોરોના ગાઈડ લાઈનના પાલનની સાથે જે-તે ગામના સરપંચ, ગામના સ્વયમં સેવકોના સહયોગથી ઉકાળા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. નિઝર ખાતે કોવિડ કેર સેન્ટરમાં મેડીકલ ઓફિસર દ્વારા સંશમની વટીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તાપી જિલ્લાના વિવિધ સ્થળો એ કુલ-6873 લોકોને, સંશમની વટી-3346 લોકોને તથા આર્સેનિક આલ્બમ-30 કુલ – 1121 લોકોને નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યા હતા. આયુર્વેદ અમૃતપેય ઉકાળા, સંશમની વટી તથા હોમીયોપેથી આર્સેનિક આલ્બમ-૩૦નું સ્થળ ઉપર જઈને મહત્તમ લોકોને ઔષધોનો લાભ મળે તે હેતુંથી વિનામૂલ્યે આ સેવા પુરી પાડવામાં આવી રહી છે. વિતરણની કામગીરી તાપી જિલ્લા આયુર્વેદ મેડીકલ ઓફિસર અને હોમીયોપેથી મેડીકલ ઓફીસરોની ટીમની નિગરાની હેઠળ પુરી કરવામાં આવી રહી છે.
0000000