કોરોના પ્રતિરોધક રસી લેવાથી કોરોનાની ગંભીર અસરોથી બચી શકાય છે
“ટીકા મહોત્સવ” : તાપી જિલ્લામાં ૮૭૬૭૯થી વધુ લોકોનું રસીકરણ કરાયું
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) :-તાપી.તા.12: તાપી જિલ્લામાં વધી રહેલા કોરોનાના સંક્રમણ રોકવા ‘‘સાવચેતી એજ સલામતીના‘‘ મંત્ર સાથે વહીવટી તંત્ર દ્રારા કોરોના સામે બાથ ભીડવા માટે ૪૫ થી ૬૦ વર્ષની વયના ગંભીર બીમારી ધરાવતા લોકોને રસી આપવાની ઝુંબેશ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે જિલ્લામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં આરોગ્ય કેન્દ્ર, ખાનગી હોસ્પિટલમાં રસીકરણની ઝુંબેશ વેગવાન બનાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા “ટીકા મહોત્સવ” દ્વારા રસીકરણ માટે કરવામાં આવેલ આહવાનને તાપી જિલ્લામાં બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. લોકો સ્વેચ્છાએ રસી લેવા આગળ આવી રહયા છે. અને
રસીકરણ ઝુંબેશ લોક સહયોગથી ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. રાજ્ય સરકારની માર્ગદર્શિકા પ્રમાણે હાલ જિલ્લામાં ૬૦ વર્ષથી ઉપરના અને ૪૫ વર્ષથી ૫૯ વર્ષના લોકોને રસી આપવામાં આવી રહી છે. કોરોના પ્રતિરોધક રસી લેવાથી કોરોના સામે ગંભીર અસરોથી બચી શકાય છે. તાપી કલેકટર આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં જુદા-જુદા આરોગ્ય કેન્દ્રો, પેટા કેન્દ્રો અને કેમ્પો મળીને ખાસ ઝુંબેશના ભાગરૂપેથી ૬૦વધુ કેન્દ્રો પર રસી આપવામાં આવી રહી છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. હર્ષદ પટેલે આપેલ વિગતો મુજબ અત્યાર સુધીમાં ૮૭૬૭૯થી વધુ લોકોને રસી આપીને સુરક્ષિત કરાયા છે. જિલ્લામાં વહીવટી તંત્રના સ્ટાફ તથા સંસ્થાઓના સહયોગથી રસીકરણની નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે.
તાપી જિલ્લામાં જાહેર સ્થળોએ લોકો વેક્સિનેશન લેવા પ્રેરિત થાય અને લોકોમાં જાગૃતિ આવે તે માટે મુખ્ય જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ તેમજ આઈ.ઇ.સીની પ્રવૃત્તિ કરતાં સંબંધિત કર્મચારી/અધિકારીઓ દ્વારા નાગરિકોને રસી લેવા પ્રોત્સાહિત કરવામાં આવી રહયા છે.
00000૦૦૦