કોરોના સંક્રમણને લઈને વઘઇ અને આહવામાં બપોરના બે વાગ્યા બાદ સ્વૈચ્છિક લોકડાઉનને લઈને તમામ દુકાનો બંધ જોવા મળી
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ગુજરાતમાં કોરોના કાળમાં એક તરફ નાઈટ કર્ફ્યુ સહિતની સ્થિતિ સામે વેપારી વર્ગ અકળાઈ રહ્યો છે તે સમયે અનેક ગામડાઓમાં સ્વયંભુ લોકડાઉન જેવી સ્થિતિ બનવા લાગી છે. કોરોના સંક્રમણ વધતા ગામડાઓ વધારે સતર્ક થયા છે. રાજ્યના અનેક જિલ્લાઓના ગામડાઓમાં લોકો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. મહાનગરો બાદ ગ્રામ્ય વિસ્તારમાંથી પણ કોરોનાના કેસો ચિંતાજનક સામે આવતા લોકો હવે સતર્ક બન્યા છે. ડાંગ જિલ્લામાં પણ ડાંગ કલેકટર એન.કે.ડામોર અને ડાંગ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને આહવા ખાતે યોજાયેલ વેપારી એસોસીએશનની મીટીંગ માં વઘઈ અને આહવા ખાતે બપોરના બે વાગ્યા બાદ સ્વૈચ્છિક બજાર બંધ કરવાનો નિર્ણય કરાતા આહવા અને વઘઈમાં દુકાનો બંધ જોવા મળી હતી. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ કોરોનાના કેસ વધતા લોકો હવે વધુ જાગૃત થયા છે. જ્યારે કોરોનાને લઈ બીજો કોઈ નિર્ણય નહિ આવે ત્યાંસુધી બે વાગ્યા સુધી દુકાનોમાં સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરી અને કરાવી માસ્ક પહેરી દુકાનો ચાલુ રાખવાની રહશે અને બે વાગ્યા બાદ સ્વૈચ્છિક દુકાનો બંધ કરવાની રહેશે એમ વેપારી એસોસીએશને વધુમાં જણાવ્યું હતું.