તાપી જિલ્લામાં અત્યાર સુધી ૮૦ હજારથી વધુ નાગરિકોએ કોરોના રસી લીધી
(માહિતી બ્યુરો દ્વારા; વ્યારા) : તાપી જિલ્લામાં વિશ્વવ્યાપી કોરોના મહામારીના રોગચાળાને નાથવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સુરક્ષા કવચ આપવા માટે કોરોના રસીકરણ અભિયાન પુરજોશમાં ચાલી રહયુ છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કલેકટર આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ રસીકરણ કામગીરીને ઝુંબેશ રૂપે ઉપાડીને વેગવાન બનાવવામાં આવી છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદ પટેલના જણાવ્યા મુજબ તાપી જિલ્લામાં હાથ ધરાયેલ રસીકરણ ઝુંબેશ હેઠળ આજે ૯૦૮૪ નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને ૪૬૯૯ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જે મળી અત્યાર સુધી હેલ્થ કોરોના વોરિયર, ફ્રન્ટ લાઈન વોરિયર, ૪૫ થી ૫૯ અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના મળી કુલ ૮૦૪૧૭ નાગરિકોએ રસી લઇ કોરોના સામે આરોગ્ય સુરક્ષા કવચ મેળવ્યું છે.
૦૦૦૦૦૦૦