કાકરાપાર અણુવિદ્યુત મથકના સૌજન્યથી નાનીચેર, રાજવડ ખાતે ૦૩ લાખ ઝીંગા અને ૦૩ લાખ મત્સ્ય બીજનો તાપી નદીમાં સંગ્રહ કરવામાં આવ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, કાકરાપાર અણુવિદ્યુત મથકની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) હેઠળ આશરે ` ૧૫.૦૦ લાખના ખર્ચે સુરત જિલ્લાના માંડવી તાલુકાના રાજવડ/નાનીચેર (કોલીવાડા) ખાતે તારીખ ૨૩/૦૩/૨૦૨૧ ના રોજ સાઇટ ડાયરેકરશ્રી એમ.વેંકટચલમના વરદ્ હસ્તે અને શ્રી એ.બી. દેશમુખ, સ્ટેશન ડાયરેક્ટર, કેએપીએસ ૧-૨, તથા ચેરમેન સી.એસ.આર. શ્રી નિતિન જે. કેવટ અને સહાયક નિદેશક, મત્સ્ય ઉદ્યોગ વિભાગ સુરત સુશ્રી બિન્દુબેન તેમજ નાનીચેર ગામના સરપંચ શ્રી સંદીપભાઈ ચૌધરી અને ગામના આગેવાનોની ઉપસ્થિતીમાં ૦૩ લાખ ઝીંગા અને ૦૩ લાખ મત્સ્ય બીજનો તાપી નદીમાં સંગ્રહ કરવામાં આવ્યો. જેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આ વ્યવસાય સાથે સંકળાયેલ ગ્રામજનોને ઘરઆંગણે રોજગારી મળી રહે અને તેમનું જીવનનિર્વાહ સરળ બને.
તાપી નદી કિનારે આવેલા રાજવડ, નાનીચેર, રતનિયા, તરસાડાબાર, વરજાખણ અને વરેઠ પેટીયા વગેરે ગામોને આવરી લેતી શ્રી માંડવી તાલુકા મત્સ્ય ઉદ્યોગ સહકારી મંડળી લિ. કાકરાપાર સાથે આશરે ૪૫૦ જેટલા કુટુંબો સંકળાયેલ છે. આ મંડળી સાથે સંકળાયેલ તમામ સભ્યોની રોજગારીનું મુખ્ય સાધન માછીમારી છે. તાપી નદી પર નિર્ભર માછીમારોને જીવનનિર્વાહ માટે પૂરતા પ્રમાણમાં માછલીઓનો જથ્થો ઉપલબ્ધ ન હતો તેથી તેઓને રોજગારીના અન્ય સ્ત્રોત શોધવા પડતા હતા. ગ્રામ પંચાયત નાનીચેર અને આસપાસના ગ્રામજનોની વિનંતીને ધ્યાને લઈ કાકરાપાર અણુવિદ્યુત મથકની નાણાકીય સહાય અને મત્સ્ય ઉદ્યોગ વિભાગ, સુરતના સહયોગથી આશરે ૦૩ લાખ ઝીંગા અને ૦૩ લાખ મત્સ્ય બીજ તાપી નદીમાં છોડવામાં આવ્યા છે જે આવનાર ૪ થી ૫ મહિનાઓમાં વૃદ્ધિ પામી સમગ્ર વિસ્તારના માછીમારોની આવકમાં વધારો કરશે સાથો સાથ તાપી નદીની પારિસ્થિતિક સમતુલામાં વૃદ્ધિ કરશે. વધુમાં મત્સ્ય ઉદ્યોગ સહકારી મંડળીના સભાસદોના લાભાર્થે કાકરાપાર અણુવિદ્યુત મથક દ્વારા કોલીવાડા ખાતે માછલીઓના લે-વેચ અને સંગ્રહ માટે એક સામુદાયિક ભવનનું નિર્માણ કરવામાં આવેલ છે.
આ પ્રસંગે ઉપસ્થિત મત્સ્ય ઉદ્યોગ સહકારી મંડળીના હોદ્દેદારો તેમજ સભાસદોએ કાકરાપાર અણુવિદ્યુત મથકનો હ્રદયપૂર્વક આભાર માન્યો હતો.