તાપી : એગ્રોફોરેસ્ટ્રી પર ખેડૂત જાગૃતતા કાર્યક્રમની ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત નવી દિલ્હી અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપી જીલ્લામાં વ્યારા ખાતે કાર્યરત છે. આ કેન્દ્ર દ્વારા તા. ૨૫ માર્ચ, ૨૦૨૧ના રોજ વનચેતના કેન્દ્ર, તાડકુવા, વ્યારા ખાતે સામાજીક વનીકરણ વિભાગ-સુરત, રેન્જ-વ્યારાના સંયુક્ત ઉપક્રમે સબમીશન ઓન એગ્રોફોરેસ્ટ્રી (SMAF) યોજના અંતર્ગત “એગ્રોફોરેસ્ટ્રી ઉપર ખેડૂત જાગૃતતા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાપી જિલ્લાના વિવિધ ગામોના કુલ ૩૦૦ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમનાં અધ્યક્ષશ્રી અને નાયબ વન સંરક્ષક્શ્રી, વન વિભાગ વ્યારાના શ્રી આનંદકુમાર(IFS)એ એગ્રોફોરેસ્ટ્રી દ્વારા ખેડૂતોની આર્થિક પરિસ્થિતી સુધારવા માટે કાજૂ, આંબા, નીલગીરી, સુબાવણ જેવાં પાકો વિશે જાગૃતતા મેળવી તેનું વાવેતર કરવા જણાવ્યું હતું. અતિથી વિશેષશ્રી તરીકે ઉપસ્થિત મદદનીશ વન સંરક્ષક, વ્યારાના શ્રી સચિન ગુપ્તાએ પેઢી દર પેઢી વૃક્ષોનું વાવેતર બાદ લાંબા ગાળે થનારી આવક વિશે જણાવી વૃક્ષોના વાવેતર માટે જણાવ્યું હતું. મુખ્ય મહેમાનશ્રી નિકુંજ પટેલ, નાયબ બાગાયત નિયામકશ્રી, તાપી એ બાગાયત વિભાગને લગતાં ફળ ઝાડ જેમકે કાજૂ, આંબા, સરગવા, કોકો વગેરેનું વાવેતર તેમજ તેની સબસીડીનો લાભ લેવા આહવાન કર્યુ હતું. આ સાથે આવનારી પેઢી માટે ઝાડ લગાવવા માટે અપીલ કરી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં કેવિકેના વડા ડો. સી. ડી. પંડ્યાએ કાર્યક્રમનો હેતુ સમજાવી ખેડૂતોને એગ્રોફોરેસ્ટ્રી અપનાવવા હાંકલ કરી હતી. રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી, સામાજીક વનીકરણ વિભાગ વ્યારાના સુશ્રી હર્ષિદાબેન ચૌધરીએ સામાજીક વનીકરણ યોજના માટેની અરજી તેમજ જુદા જુદા વન્ય વૃક્ષો અને ફળઝાડોનું ખેતરના શેઢા પાળે, બ્લોકમાં અને પડતર જમીનમાં વાવેતર કર્યેથી વિભાગ દ્વારા આપવામાં આવતી સહાય વિશેની માહિતી આપી હતી.
કોલેજ ઓફ ફોરેસ્ટ્રી, ન.કૃ.યુ., નવસારીના મદદનીશ પ્રાધ્યાપક ડો. એન. એસ. ઠાકુરએ એગ્રોફોરેસ્ટ્રી પર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા કૃષિ વાનિકીની દ્વારા આર્થિક વળતર મળી રહે તેવાં પાકોનું વાવેતર, વિવિધ યોજનાઓ અને સહાય તેમજ તેનાં ફાયદાઓ વિશેની વિસ્તૃત માહિતી આપી ખેડૂતોને માર્ગદર્શિત કર્યા હતાં. ડો. ડી. એમ. પટેલ , વૈજ્ઞાનિક (બાગાયત)એ સબમીશન ઓન એગ્રોફોરેસ્ટ્રી યોજના વિશે માર્ગદર્શન આપી તેનો યોગ્ય લાભ લેવા જણાવ્યું હતું. પ્રગતિશીલ ખેડૂત અને રીટાયર્ડ ITI પ્રિન્સીપાલશ્રી, હેમંત ચૌધરીએ પોતાના ખેતરમાં કરેલ એગ્રોફોરેસ્ટ્રી મોડેલ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
સમગ્ર કાર્યક્રમનુ સફળ સંચાલન ડો. જે. બી. બુટાણી , વૈજ્ઞાનિક (પશુ વિજ્ઞાન)દ્વારા કરવામાં આવ્યું હતું. તથા આભારવિધી ડો. ડી. એમ. પટેલ , વૈજ્ઞાનિક (બાગાયત) દ્વારા કરવામાં આવી હતી.