તાપી : મધમાખી નહીં હોય તો ચાર વર્ષમાં દૂનિયા નાશ પામશે : શ્રી આનંદકુમાર(IFS)
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપી જિલ્લામાં કાર્યરત છે. સદર ખાતે આજ તા. ૧૭/૦૩/૨૦૨૧ના રોજ નેશનલ મધમાખી બોર્ડ(NBHM) યોજના અંતર્ગત સાત દિવસીય તાલીમ(તા. ૧૭/૦૩/૨૦૨૧ થી ૨૪/૦૩/૨૦૨૧ સુધી) “વૈજ્ઞાનિક રીતે મધમાખી પાલન” વિષય ઉપર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોનગઢ તાલુકાના ૨૫ ખેડૂત ભાઈ-બહેનો હાજર રહ્યાં હતાં.
જો આ પૃથ્વી ઉપર મધમાખી નહીં હોય તો ચાર વર્ષમાં દૂનિયા નાશ પામશે. આ શબ્દો હતા આજના તાલીમ કાર્યક્રમના અદ્યક્ષશ્રી અને DCF–વ્યારાના શ્રી આનંદકુમાર(IFS) સાહેબના. તેમણે જણાવ્યું હતું કે મધમાખી પરાગનયનની ક્રિયામાં ખૂબજ અગત્યનો ભાગ ભજવે છે. મધમાખી આપણા વિસ્તારમાં હોય તો તેમાથી પાક ઉત્પાદન પણ વધે છે. તેમણે જણાવ્યું હતું કે બીજ, ઝાડ અને મધમાખી આ ત્રણ શબ્દોનું મહત્વ ખૂબ જ છે. શ્રી આનંદકુમાર(IFS)એ મધમાખીના જીવનચક્ર વિષે વિસ્તૃત રીતે માહિતી આપી હતી. તેમણે તાલીમાર્થીઓને મધનું ઉત્પાદન કરીને વેચાણ વ્યવસ્થા માટે ટ્રાયબલ મોલ, વ્યારામાં જગ્યા આપવાનું પણ જણાવ્યું હતું.
તાલીમની શરૂઆતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,વ્યારાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. સી. ડી. પંડ્યાએ મહેમાનોને આવકારી તાલીમનાં હેતુ વિષે સમજાવ્યું હતું અને તાલીમાર્થિઓ દ્વારા મધમાખી પાલન કરી મધ બનાવવા ભારપૂર્વક જણાવ્યું હતું.
આ તાલીમ કાર્યક્રમ તા. ૧૭/૦૩/૨૦૨૧ થી ૨૪/૦૩/૨૦૨૧ સુધી એમ સાત દિવસ ચાલશે. આભારવિધિ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેન્દ્રના પ્રો. એન. કે. કવાડ, વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ)એ કર્યું હતું.