ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષક ભાઈ-બહેનો દ્વારા બાળકોને સતત શૈક્ષણિક માર્ગદર્શન
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓના શિક્ષક ભાઈ-બહેનો દ્વારા બાળકોના હિતમાં શિક્ષણનો પ્રવાહ અવિરત ચાલુ છે. દરેક ગામના શિક્ષક ભાઈ-બહેનો વર્ચ્યુઅલ ક્લાસ ઉપરાંત પોતાની વિવેકબુદ્ધિથી બાળકોને શિક્ષણ પૂરું પાડી રહ્યા છે. કોરોના મહામારીના પગલે શાળાઓ બંધ છે ત્યારે જે બાળકો પાસે સ્માર્ટફોન નથી એવા બાળકોને શિક્ષકો રૂબરૂ મળી માર્ગદર્શન આપી રહ્યા છે. આ બાબતે મોરમુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ-૬ માં અભ્યાસ કરતી બાલિકાઓ ચાહત પટેલ તથા નેન્સી પટેલે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે અમારા વિષય શિક્ષક અમોને દૂરદર્શન પરના શૈક્ષણિક કાર્યક્રમો જોવા સતત પ્રેરે છે. સાથે-સાથે અમોને પડતી અભ્યાસિક મુશ્કેલીઓનો મોબાઈલ ઉપર સંતોષકારક રીતે ઉકેલ જણાવે છે.
શાળાના આચાર્ય મયૂરી સારંગે જણાવ્યુ હતું કે હવે ટૂંક સમયમાં જ ધોરણ- ૬ થી ૮ ના બાળકો માટે શાળા શરૂ થવાની છે આમ છતાં પણ શાળાની શિક્ષિકા બહેનો રોશની પટેલ તથા દ્વારા અન્ય ગામમાં જઈ પોતાના બાળકોને નિયમિત શેરી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત બાલિકાઓને ઓનલાઇન સ્વરક્ષણ તાલીમ માટે પ્રેરણા પૂરી પાડવામાં આવી રહી છે. આ માટે બી.આર.સી.કૉ-ઓર્ડીનેટર કિરીટભાઈ પટેલ દ્વારા પણ સૌને સતત માર્ગદર્શન મળી રહ્યું છે. એમ તાલુકાના પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક યાદીમાં જણાવે છે.