સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી : ૨૦૨૧ : વ્યારા નગરપાલિકા નોડલ અધિકારી ખર્ચ દ્વારા ઉમેદવારો અને એજન્ટોને ખર્ચ હિસાબ અંગે તાલીમ અપાઈ
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : આજરોજ વ્યારા ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી આર.જે.હાલાણી ના માર્ગદર્શન હેઠળ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન ઉમેદવારો અને એજન્ટોને ખર્ચ ના હિસાબો કેવી રીતે રાખવા તે માટે ના તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.
તાલીમ દરમિયાન નગરપાલિકા નોડલ અધિકારી ખર્ચ એચ.કે.ઉપાધ્યાય દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારો અને એજન્ટોને ચૂંટણી દરમિયાન થનાર ખર્ચ ના હિસાબો કેવી રીતે રાખવા તે માટે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉમેદવારો દ્વારા કરેલ ખર્ચની ચકાસણી માટે વોર્ડવાઈઝ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. જેમાં તા.૧૮/૦૨/૨૦૨૧ ના રોજ ૧૦.૩૦ થી ૧૨-૦૦ વોર્ડ નંબર ૧,૨,૩ ૧૨-૦૦ થી ૧૪-૦૦ વોર્ડ નં.૪,૫ તથા ૧૪-૦૦ થી ૧૬-૦૦ વોર્ડ નં.૬,૭ ના ઉમેદવારોએ હિસાબો રજુ કરવાના રહેશે.
તથા તા.૨૨/૦૨/૨૦૨૧, તા.૨૫/૦૨/૨૦૨૧ અને તા.૦૮/૦૩/૨૦૨૧ ના રોજ ઉપરોક્ત સમય અને વોર્ડ મુજબ ખર્ચની ચકાસણી કરવાની રહેશે. રાજ્ય ચૂંટણી આયોગના આદેશથી નગરપાલિકા ચૂંટણી લડતા ઉમેદવારોમાં ચૂંટણી ખર્ચનો હિસાબ નિયત મર્યાદામાં રજુ કરવા નિષ્ફળ રહે તો તેવા ઉમેદવાર સામે ગેરલાયક ઠરવાની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા સહાયક નિરીક્ષકશ્રીની કચેરી,સ્થાનિક ભંડોળ હિસાબ,જિલ્લા સેવા સદન,બ્લોક નં.૬,ગ્રાઉન્ડ ફલોર,પાનવાડી વ્યારાના સ્થળે ખર્ચના હિસાબોની ચકાસણી કરાવી લેવા નગરપાલિકા નોડલ ખર્ચની અખબારી યાદીમાં જણાવાયું છે.
૦૦૦૦૦૦