માં સરસ્વતી નામ જ્ઞાનરૂપી પ્રકાશથી કોરોનારૂપી રાક્ષસ ભસ્મ થશે અને શાળારૂપી બગીચાઓમાં ફરી બાળરૂપી મોરલાઓ ટહૂકા કરશે : વિજય પટેલ
(નાઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : શાળાએ વિદ્યાનું ધામ છે, માં સરસ્વતીનું પવિત્ર મંદિર છે. જેનો દરેક વર્ગખંડ એક ગર્ભગૃહ છે કે જેમાં માં સરસ્વતીનો વાસ છે. શાળામાં ભણતા બાળકો તેનાં ઉપાસક છે, વિદ્યાદેવીનાં ભકતો છે.
મહિનાઓ થી કોરોનારૂપી રાક્ષસનાં પ્રકોપથી શાળાઓ બંધ પડી છે. બાળકોનાં કિલકિલાટ અને ધિંગામસ્તીથી વ્યસ્ત શાળા પટાંગણ સૂમસામ પડ્યા છે. બાળકો અને ગુરૂજનોની ગોષ્ઠિ ગુમસુમ થઈ છે. રોજ સવારે હસતાં- રમતાં શાળાએ આવતા બાળકો પર નિત આશીર્વાદ અને વિદ્યા વરસાવતી માં સરસ્વતી પણ મનોમન જાણે દુઃખી બની છે. વિધાદેવી શાળા બાગમાં વૃક્ષ નીચે બેસી બાળકોની શાળાકીય દિનચર્યા વાગોળી વ્યથા અનુભવી રહી છે ને વ્યથિત હૃદયે બાળકોને સાદ કરી રહી છે.
બાળકો વિના સુની પડેલી માં સરસ્વતીની વ્યથાને ઓલપાડનાં કાંઠાવિસ્તાર સ્થિત ક્લસ્ટર રિસોર્સ સેન્ટર , કરંજના સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલે પોતાની કલમે આલેખી છે. શિક્ષક આલમમાં વાયરલ થયેલ આ રચનાને ઓલપાડની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત વડોલી પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષક ભરત સોલંકીએ કંઠ આપી હૃદયગમ્ય બનાવી છે.
બાળલલ્લાને માતા સરસ્વતી સાંભરે, (૨)
કોકિલ કિકિયારી તારી રહી ગઈ નિશાળમાં…..
મંદિર-મસ્જિદમાં રોજ બંદગીઓ થાય છે, (૨)
પ્રાર્થનાની પોથી તારી રહી ગઈ નિશાળમાં…..
બાળલલ્લાને માતા..o
ભણવા ભલેને તુ ઓનલાઈન થાય છે, (૨)
પાટી ને પેન તારી રહી ગઈ નિશાળમાં…..
બાળલલ્લાને માતા..o
સુનો રે બગીચો ને સુનું મેદાન છે, (૨)
ખો – ખોની ખૂબી તારી રહી ગઈ નિશાળમાં…..
બાળલલ્લાને માતા..o
ઘરમાં બેસીને શીરો – પૂરી ખવાય છે, (૨)
ચોકલેટ ને ચીકી તારી રહી ગઈ નિશાળમાં…..
બાળલલ્લાને માતા..o
બાલુડાને એટલું કહેજો પથિકજી, (૨)
ધીંગા ને મસ્તી તારી રહી ગઈ નિશાળમાં…..
બાળલલ્લાને માતા..o
– વિજય પટેલ ‘પથિક’
સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ , ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવભાઈ પટેલ, કેન્દ્રાચાર્ય જાગૃતિબેન પટેલ, શિક્ષકગણ તથા વાલીજનોએ વિજય પટેલની આ સ્વરચિત કૃતિને વખાણી અભિનંદન પાઠવ્યા હતા. વિજય પટેલે આ કૃતિને માં સરસ્વતીનાં ચરણોમાં ધરી પ્રાર્થના કરી હતી કે માંના જ્ઞાન પ્રકાશથી કોરોનારૂપી રાક્ષસ ભસ્મ થાય અને શાળારૂપી વિદ્યાધામ પુનઃ ધમધમતા થાય.