કુકરમુંડા તાલુકામાં અનેક ગામોમાં મીની પાઈપ યોજના વીજ જોડાણનાં અભાવે મરણ પથારી!!
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : કુકરમુંડા તાલુકામાં અનેક ગામોમાં વનબંધુ કલ્યાણ યોજના દ્વારા મીની પાઈપ યોજના વીજ જોડાણને લીધે બન્ધ હોવાથી પાણીની સમસ્યા વર્તાય રહી છે.
મળતી માહિતી મુજબ કુકરમુંડા તાલુકાના ગામડામાં સરકારશ્રી તરફથી પાણીની સમસ્યા નિવરવા માટે વનબંધુ કલ્યાણ યોજના દ્વારા મીની પાઈપ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ બોર, હવાડો, સિન્ટેક્સ ટાંકી બેસાડીને ઘર ઘર નળનુ પાણી પુરું પાડવામાં આવે છે, જે આજે બંધ હાલતમાં જોવા મળે છે. દરેક ગામમાં લાખો રૂપિયાની યોજના બનાવવામાં આવેલ છે. અને આ યોજના માટે સરકારશ્રી દ્વારા કરોડો રૂપિયાની ગ્રાંટ ફાળવણી કરવામાં આવે છે. છતાં પણ આ યોજના બંધ હાલતમાં જોવા મળી રહી છે. આ યોજના તાપી જિલ્લા ટ્રાઇબલ અધિકારીના વડપણ હેઠળ કરવામાં આવેલ છે. જેમનું કામકાજ ખાનગી એજન્સીને આપવામાં આવે છે. આ એજન્સીએ બોરવેલની તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવે છે. પરંતુ આ યોજનાનો હેતું પુરો થયો નથી ? આથી આ યોજના બંધ હાલતમાં પડી પડી ગામની શોભા વધારી રહી છે ! આ યોજના બંધ હોવાથી ગામોમાં હમણાંથી જ પાણીની સમસ્યા શરુ થઈ ગઈ છે. ગામડાઓના લોકો ખેતી અને પશુપાલન સાથે સંક્ળાયેલા હોય છે. દૂધાળા પશુઓને પીવા માટે પાણી તથા ધોવા માટે પાણીની આવશ્યકતા રહે છે. જો આવા ધુધળા પશુઓને સમયસર પીવાનું પાણી ના મળે તો દૂધમાં ઘટાડો થાય અને દૂધમાં ઘટાડો થાય તો લોકોને આર્થિક નુકશાન થાય છે. ગામડાના લોકો માટે પણ પાણીનુ મહત્વ ખુબજ છે, પાણી પીવા તથા અન્ય કામો માટે ખુબજ ઉપયોગી છે. પરંતુ ખાનગી એજન્સી આવી રીતે અધૂરી કામગીરી કરી લાખોના બીલો ઉપાડી યોજના અધૂરી છોડી દેવામાં આવેલ છે. આથી ગામડાના લોકો જણાવે છે કે અમારા ગામોમાં આ યોજના આવી છે એ ખુશીની વાત છે. પણ આ યોજના ચાલુ થવી જોઈએ જેથી અમારા ગામોની પાણીની સમસ્યા દૂર થઈ શકે એમ છે. આ યોજના બની ત્યારથી જ વીજ જોડાણ કરવામાં આવ્યું નથી ? આથી આ યોજના હાલમાં બંધ પડી છે. આ બાબતે તાપી જિલ્લા ટ્રાઇબલ અધિકારીનો ટેલિફોનની સંપર્ક કરતા જણાવ્યું હતું કે હું હાલમાં ઈલેક્શનની ડ્યુટી છું. પણ વર્ષ ૨૦૧૮/૧૯ના વર્ષમાં જે બનેલ છે તેના માટે હું અમલીકરણ અધિકારીને રીપોટ કરું છું.