બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડના કર્મચારીઓએ ઉત્સાહભેર કોરોના પ્રતિકારક રસી લીધી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : રાજ્ય સરકારે વૈશ્વિક મહામારી કોરોના સામેના જંગમાં સીધી રીતે સંકળાયેલા આરોગ્ય કર્મચારીઓ, સફાઈ કામદારો, પોલીસ જવાનો તથા શિક્ષકોને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તરીકે પ્રથમ તબક્કામાં કોરોનાની રસી મૂકવાનું આયોજન કરેલ છે. જેના ભાગરૂપે ઓલપાડના બ્લોક રિસોર્સ સેન્ટરનાં કો-ઓર્ડીનેટર કિરીટભાઈ પટેલ સહિત તાબાના તમામ સી.આર.સી.કો-ઓર્ડીનેટરો, બ્લોક એમ.આઈ.એસ., ડેટા ઓપરેટર, આઇ.ઇ.ડી.રિસોર્સ ટીચર્સ ઉપરાંત કાર્યાલય સેવકે આજરોજ આ કોરોના પ્રતિકારક રસી અત્રેના સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ઓલપાડ ખાતે લીધી હતી.
આ પ્રસંગે બી.આર.સી. કો-ઓર્ડીનેટર કિરીટભાઇ પટેલે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં એક પણ કોરોના વોરિયરને આ રસીની સાઇડ ઇફેક્ટ થઈ નથી, જે નોંધનીય બાબત છે. તેમણે જણાવ્યું હતું કે તાલુકાના દરેક રસીકરણ કેન્દ્રો પરના આરોગ્ય કર્મચારીઓ ખૂબ જ મહેનતુ છે. તેઓ દરેક રસીકરણ માટે આવતા કર્મચારીઓ સાથે સદવર્તનપૂર્વક વર્તી, તેમને રસી આપી પોતાની ડ્યુટી નિષ્ઠાપૂર્વક બજાવે છે. એમ તાલુકાના પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.