ડાંગમાં આવેલી ઐતિહાસિક પાંડવ ગુફા સુધી પહોંચવા માર્ગ બનાવવા ઊઠી રહી છે માંગ

Contact News Publisher

પાંડવ ગુફા સુધી જવા માટે રસ્તાનું નિર્માણ કરવામાં આવે તો મોટી સંખ્યામાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે
ગુફાની જાળવણી કરવા માટે તંત્ર દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે તેવું સ્પષ્ટ જણાઈ આવે છે

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ): ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ પાંડવા ગામે ઐતિહાસિક સ્થળ તરીકે પ્રખ્યાત પાંડવ ગુફા આવેલી છે. કહેવાય છે કે મહાભારત કાળ દરમ્યાન અહીં પાંચ પાંડવો રહ્યા હતા. ડાંગ જિલ્લાના જોવા લાયક સ્થળોમાં પાંડવ ગુફા મોખરે છે.પાંડવા ગામથી 3 કિમીના અંતરે જંગલમાં આ ગુફા આવેલી છે. જ્યાં જવા માટે રસ્તો બિસ્માર હોવાથી પ્રવાસીઓને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. અહીં હવે રસ્તો બને એવી લોકો દ્વારા માંગ ઘણા સમયથી થઈ રહી છે.
ડાંગ જિલ્લાનું અભયારણ્ય જંગલ વિસ્તાર પૌરાણિક કાળથી વૈદિક સંસ્કૃતિમાં દંડકારણ્યના જંગલ તરીકે પ્રસિદ્ધ છે. આ દંડકારણ્યમાં મહાભારતની સંસ્કૃતિના સમયમાં પાંડવોએ જંગલમાં ગુફા બનાવી તેમાં તેઓ અરણ્યવાસ દરમિયાન રહ્યાં હતાં તેવી દંતકથા પ્રચલિત છે કે જ્યાં વેકેશન દરમ્યાન પ્રવાસીઓની ભીડ ભારે આકર્ષણ જમાવે છે.પરંતુ પ્રવાસીઓને ડાંગનું ઐતિહાસિક પ્રવાશન સ્થળ પાંડવ ગુફા સુધી પહોંચવા રસ્તો જ નથી!
પાંડવા ગામ ની આ આ ગુફાને આજે પાંડવ ગુફા તરીકે ઓળખવામાં આવે છે. પહાડી વિસ્તારના ડુંગરોની હારમાળામાં જંગલોની લીલીછમ વનરાઈ વચ્ચે પાંડવા ગામથી 3 કિમીના અંતરે પૂર્વ દિશાના જંગલ વિસ્તારમાં પાંડવા ગુફા આવેલી છે. પાંડવ ગુફાના કારણે જ અહીં વસવાટ કરતાં લોકો દ્વારા ગામનું નામ પાંડવા ગામ પાડવામાં આવ્યું છે.
વર્ષો જૂની પાંડવા ગામની પાંડવ ગુફા સાથે આદિવાસીઓની અને પૌરાણિક આસ્થા પણ જોડાયેલી છે. અહીંના આદિવાસીઓ ડુંગર દેવની પૂજા માટે પાંડવ ગુફામાં જતાં હોય છે. ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત પાંડવ ગુફાનું નામ સૌથી મોખરે છે. પણ આ ગુફાની જાળવણી કરવા માટે તંત્ર દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે તેવું સ્પષ્ટ જણાઈ આવે છે. વર્ષો પહેલાં પાંચ પાંડવોના પાંચ રૂમો હતાં.
પાંડવા ગુફાની જાળવણી થાય ઉપરાંત આ ગુફા સુધી જવા માટે રસ્તો બનાવવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે. ગ્રામજનોએ વારંવાર ગ્રામસભામાં ઠરાવ કર્યા હોવા છતાં પણ ગુફા સુધી જવા માટેના રસ્તાનો કોઈ ઉકેલ આવ્યો નથી. રસ્તાની માંગણી માટે ગત લોકસભામાં ચૂંટણીમાં લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. તેમ છતાં આજ દિન સુધી રસ્તાનું નિર્માણ થયું નથી. મોટી સંખ્યામાં પ્રવાસીઓ પાંડવા ગુફાની મુલાકાતે આવે છે, પણ રસ્તો બરાબર ન હોવાના કારણે પાછા પરત ફરે છે. પથરાળ રસ્તો અને ઠેરઠેર રસ્તા પર ઘાસ હોવાના કારણે ચોમાસાની ઋતુમાં ગુફા સુધી જવા માટે રાહદારી પ્રવાસીઓ ને ભારે મુશ્કેલીઓ પડે છે.
ઉલ્લેખનીય છે કે પાંડવા ગુફા એક ઐતિહાસિક સ્થળ હોવાથી તેની જાળવણી જરૂરી છે. આ ઉપરાંત જો પાંડવ ગુફા સુધી જવા માટે રસ્તાનું નિર્માણ કરવામાં આવે તો મોટી સંખ્યામાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે. અને અહીંના સ્થાનિક આદિવાસીઓ માટે રોજગારી ની તકો પણ ઉપલબ્ધ થઈ શકે તેમ છે.તે માટે જો સરકારી તંત્ર આ રસ્તોનું નવીનીકરણ કરી ડામર સપાટીનો બને એ માટે સ્થાનિક ગ્રામજનો માંગ કરી રહ્યા છે

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *