તાપી જિલ્લામાં હાટ બજાર ભરતાં આદિવાસીઓની રોજગારી છીનવી લેવાનો પ્રયાસ !!
કોરોના સંક્રમણની અસર ઓછી થતા મોલ, થિયેટર, ગાર્ડન, સુપર માર્કેટ બધુ જ ખોલી દેવામાં આવ્યા, ઉકાઈ /GEB માં શાકભાજી વેચીને ઘર ચલાવતા આદિવાસીઓને દુકાન નથી લગાવવા દેવામાં આવતી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના સોનગઢ તાલુકા નજીક GEB/ ઉકાઈમાં ભરાતા નાનકડા શાકભાજી બજારમાં આદિવાસી ખેડૂતોને શાકભાજી વેચવા માટેની દુકાનો ઉઠાવી દેવામાં આવતા આદિવાસીઓ સાથે અન્યાય થયો હતો જેથી તેમણે ન્યાય માટે વિનંતી કરી હતી.
કોરોના સંક્રમણને વધતો અટકાવવા સરકારે સમગ્ર દેશમાં એક નહીં પણ બબ્બેવાર લોકડાઉન લગાવવામાં આવ્યું, જે ખરેખર સારી બાબત હતી. પરંતુ ત્યારબાદ દેશના અર્થતંત્રને પાટા પર લાવવા સરકારે અનલોક ની શરૂઆત કરી, જે અંતર્ગત પ્રથમ જીવનજરૂરી ચીજવસ્તુઓની દુકાનો અને બજારો શરૂ કરવામાં આવ્યા અને ત્યારબાદ ધીરે-ધીરે ફેક્ટરીઓ, સુપર માર્કેટ, મોલ, થિયેટર અને ગાર્ડન પણ ખોલી દેવામાં આવ્યા, પરંતુ એની સામે તાપી જિલ્લાના આદિવાસીઓ સાથે અન્યાય થઈ રહ્યો હોય એ રીતે સોનગઢ નજીક GEB /ભુરીવેલ અને ઉકાઈ ખાતે અઠવાડિયામાં માત્ર બે જ દિવસ આસપાસ ના આદિવાસીઓ શાકભાજી વેચવા આવે છે, તેમને ત્યાં શાકભાજી વેચતા અટકાવવામાં આવે છે અને ઉઠાવી દેવામાં આવે છે. હવે આ આદિવાસીઓ જેમનું ઘર શાકભાજી વેચી ને ચાલતું હોય તેઓ પોતાના પેટનો ખાડો કઈ રીતે પુરે ? તે મોટો સવાલ ઊભો થાય છે ? અને શાકભાજીની દસ-પંદર દુકાનથી શું કોરોના ગાઇડલાઇન નો ભંગ થાય છે ? એ પણ મોટો સવાલ ઊભો થાય છે. એક તરફ સરકાર સુપરમાર્કેટ, મોલ, થિયેટર અને બજારો ખોલી રહી છે ત્યારે આ ગરીબ બેરોજગાર આદિવાસીઓને ધંધો કરતા અટકાવી તેમની રોજીરોટી છીનવી લેવી એ કેટલું યોગ્ય ? અને આવું કરવાની પરવાનગી કોણે આપી ?
જો આ દુકાનદારોને આવનાર સમયમાં રોજગારી મેળવવાની છૂટ નહીં આપવામાં આવે તો મોટું આંદોલન થવાની શક્યતા છે. એક તરફ સરકાર આદિવાસીઓને રોજગારી આપવા કરોડો રૂપિયા ખરચી રહી છે ત્યારે આ રીતે એમની રોજગારી છીનવવા માટે જવાબદાર કોણ ?? એની પર કાર્યવાહી થાય છે કે નહિ એ જોવાનું રહ્યું.