માંગરોળ તાલુકાનાં પાલોદ ગામે અકસ્માતમાં માર્યા ગયેલાઓને સરકારી સહાય ચૂકવવા માંગરોળ, તાલુકા પંચાયતને આદેશ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : બે દિવસ અગાઉ માંગરોળ તાલુકાના કીમ ચારરસ્તા થી માંડવી જતાં રાજ્યધોરીમાર્ગ ઉપર પાલોદ ગામ પાસે રાત્રી દરમિયાન હાઈવા ચાલકે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતાં માર્ગની બાજુમાં સુતેલા મજૂરો ઉપર હાઈવા ફરી વળતા પંદર લોકોનાં મોત થયા હતા. અને ચાર લોકોને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે સુરતની સ્મમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવ બનતાં જ સરકાર તરફથી મોતને ભેટલાઓને બે લાખ અને ઇજા ગ્રસ્તોને પચાસ હજાર રૂપિયા ચુકવવાની જાહેરાત કરવામાં આવી હતી.ત્યારબાદ આ સહાય ચૂકવવા માંગરોળ, તાલુકા પંચાયત કચેરીને આદેશ આપવામાં આવ્યા છે. આદેશ બાદ માંગરોળ, તાલુકા પંચાયત કચેરી તરફથી આજે તારીખ ૨૧ મી જાન્યુઆરીનાં માંગરોળ તાલુકાનાં આરોગ્ય અધિકારીને એક પત્ર પાઠવી મૃતકોના પી.એમ. રીપોર્ટની માગણી કરાઈ છે. જ્યારે કોસંબા પોલીસ મથકને એક પત્ર પાઠવી આ ગુના પ્રશ્ને જે FIR દાખલ કરી છે. એની નકલની માગણી કરાઈ છે. જ્યારે ત્રણ નાં મોત સ્મમેર હોસ્પિટલમાં થયા હોય એ ત્રણ નાં પી.એમ.રીપોર્ટની માગણી આ હોસ્પિટલનાં મેડીકલ ઓફિસર ને એક પત્ર પાઠવી કરવામાં આવી છે. આ કાગળો આવી ગયા બાદ સહાય ચુકવવાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.