સાપુતારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના વોરિયર્સને અપાઈ રસી
કોરોના વેક્સિન કોઈપણ પ્રકારે જોખમી નથી જ્યારે સાપુતારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આ વેક્સિન આપ્યા પછી કોઈ પણ પ્રકારની હાલ આડઅસર જોવા નથી મળી – નિર્મલ પટેલ (મેડિકલ ઓફિસર સાપુતારા)
(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ને લઈને કરોડો લોકો સંક્રમિત બન્યાં છે, ત્યારે એકમાત્ર આશા સમાન ગણાતા કોરોના વેક્સિનનો સમગ્ર દેશમાં પ્રારંભ થઈ ગયો છે ત્યારે ડાંગ જિલ્લામાં પ્રથમ રાઉન્ડમાં આહવા અને સાકરપાતળ ખાતે વેક્સિન આપવામાં આવી હતી. બીજા રાઉન્ડમાં ડાંગ જિલ્લાના ગીરીમથક સાપુતારામાં કોરોના વેક્સીનેસનનો બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે. સાપુતારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય કર્મીઓને કોરોનાનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે કોરોના વેક્સિનને લઈને સાપુતારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર નિર્મલ પટેલે કોરોના વેક્સિન લીધા બાદ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે આગામી સમયમાં કોરોનાને હરાવવા માટે દરેક વ્યક્તિએ વેક્સિન લેવી જરૂરી છે. સાથો સાથ હાલના તબક્કે વિવિધ વિરોધાભાસ વચ્ચે કોરોના વેક્સિન કોઈપણ પ્રકારે જોખમી નથી. આ વેક્સિનથી કોઈ પણ પ્રકારની સમસ્યા જોવા મળી નથી. સાપુતારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના વેક્સિન આપ્યા પછી કોઈ પણ પ્રકારની આડઅસર જોવા મળી નથી તેમજ આગામી સમયમાં દરેક વ્યક્તિએ કોરોના વેક્સિન લેવી જરૂરી છે તેમ જણાવ્યું હતું. જ્યારે સાપુતારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના વેક્સિનને લઈને ડિ.ટી.ઓ. પોલ વસાવા, ટી.એચ.ઓ. દિલીપ શર્મા સહિત આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. જયારે ડાંગ જિલ્લામા પ્રથમ તબક્કે ૨૧૧૨ જેટલા હેલ્થ કેર વર્કરોને આ રસી અપાશે. ત્યારબાદ ૯૧૮૪ જેટલા ફ્રન્ટલાઈન વર્કરો, ૪૩૬૩૭ ફિફ્ટી પ્લસ નાગરિકો, અને ૧૯૬૮ જેટલા ૧૫ થી ૫૦ વર્ષની વયજૂથના કોમોર્બિટ પ્રજાજનો મળી કુલ ૫૨૭૦૭ જેટલા લોકોને કોવિશીલ્ડની રસીનો પ્રથમ ડોઝ અપાશે.