માંગરોળ તાલુકાના વાંકલ ખાતે રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા હેઠળ ૨૫૩૬ રેશનકાર્ડધારકોને હુકમોનું વિતરણ : દિવ્યાંગો, ગંગાસ્વરૂપા મહિલાઓ, વડીલોને આવરી લઈ રાજ્ય સરકારે અન્નદાનની પરંપરાને જાળવી રાખી : મંત્રી ગણપતસિંહ વસાવા
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાના વાંકલ ખાતે રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા હેઠળ માંગરોળ તાલુકાના નવા સમાવિષ્ટ ૨૫૩૬ રેશનકાર્ડધારકોને વન, આદિજાતિ વિકાસ, મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે હુકમોનું વિતરણ કરાયું હતું. જેમાં ૪૨ દિવ્યાંગો, ૯૪ નિરાધાર વૃદ્ધો, ૧૧ ગંગાસ્વરૂપા મહિલાઓ, ૧૭૧ બાંધકામ શ્રમિકો તેમજ સરકારી કચેરીઓમાં કરાર આધારિત કામ કરતા પાત્રતા ધરાવતા ૨૨૧૮ રોજમદાર કર્મચારીઓને લાભાન્વિત કરાયાં હતા.રાજયભરમાં ૧૦ લાખ કુટુંબોની ૫૦ લાખની જનસંખ્યાને એન.એફ.એસ.એ. હેઠળ આવરી લેવામાં આવી છે, ત્યારે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની ઓનલાઈન ઉપસ્થિતિમાં રાજ્યના ૧૦૧ તાલુકામાં આ નવા રેશનકાર્ડ ધારકોનો સામૂહિક અભિવાદન સમારોહ યોજાયો હતો. જેના ભાગરૂપે વાંકલની સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રતિકરૂપે ૨૦ લાભાર્થીઓને મંત્રીશ્રીએ રેશનકાર્ડ અર્પણ કર્યા હતા.આ પ્રસંગે મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, રાજ્યનો કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન સુએ એવી સંવેદનાથી લોકડાઉનમાં પણ જરૂરિયાતમંદ ગરીબ નાગરિકોને અન્ન સહિત જીવનજરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરાયું હતું. લોકડાઉન દરમિયાન NFSA હેઠળના ૬૮.૮૦ લાખ કાર્ડધારક પરિવારોની ૩.૩૬ કરોડની વસ્તીને એપ્રિલ, મે અને જૂન એમ સતત ત્રણ મહિના સુધી ઘઉં, ચોખા, ચણા, ખાંડનું નિ:શુલ્ક વિતરણ કરી તેમની વિકટ સમયમાં પણ કાળજી લીધી છે એમ જણાવી મંત્રીશ્રીએ રાજ્યના દિવ્યાંગ વ્યક્તિઓ, ગંગાસ્વરૂપા માતા બહેનો, વૃદ્ધાવસ્થા પેન્શન મેળવતા વડીલોને આ યોજના હેઠળ આવરી લઈ સરકારે આ અન્નદાનની પરંપરાને જાળવી રાખી હોવાનું ગર્વભેર ઉમેર્યું હતું. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં ૬ કરોડ પૈકી ૩.૮૪ કરોડની વસ્તીને અન્ન સલામતી કાયદામાં આવરી લેવામાં આવી છે. આ યોજના હેઠળ જે ગરીબ કુટુંબોને અનાજ મળતું ન હોય અને પાત્રતા ધરાવતાં હોય તેમણે સત્વરે નોંધણી કરાવી લેવા અનુરોધ કર્યો હતો. તેમણે માંગરોળ વિધાનસભામાં થયેલા સંખ્યાબંધ વિકાસકામોની વિગતો આપીને નવા એન.એફ.એસ.એ. લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. નોંધનીય છે કે, સમાજ સુરક્ષા વિભાગ દ્વારા માન્યતાપ્રાપ્ત દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં રહેતા દિવ્યાંગ વ્યક્તિઓને વ્યક્તિગત NFSA કાર્ડ આપી લાભ અપાશે. નગરો-શહેરો અને ગામોમાં વસતા રિક્ષા-છકડો-મિની ટેમ્પો જેવા થ્રિ-વ્હિલર વાહનો ચલાવનારા એવા રોજનું કમાઇને રોજ ખાનારા અને પરિવારનું ગુજરાન ચલાવનારા વાહન ચાલકોને પણ રાહત દરે અનાજનો લાભ આપવામાં આવશે.આ ઉપરાંત વૃદ્ધ પેન્શન યોજના અન્વયે કેન્દ્ર-રાજ્ય સરકારની આ યોજનામાં પેન્શન મેળવતા વરિષ્ઠ વડીલોની વયવંદના કરતા તેમને પણ રાહત દરે અનાજ મળી રહેશે. વરિષ્ઠ વૃદ્ધોને વધુ પ્રમાણમાં લાભ મળે તે માટે સિનીયર સિટીઝન કાર્ડ ધરાવતા વૃધ્ધોને NFSA અન્વયે આવરી લેવામાં આવશે. નિરાધાર ગંગાસ્વરૂપા માતા-બહેનો જે મહિલા-બાળ કલ્યાણ વિભાગ દ્વારા અપાતું ગંગા સ્વરૂપા વિધવા સહાય પેન્શન મેળવે છે તેવી માતાઓ-બહેનોને તેમજ સરકાર માન્ય સંસ્થાઓમાં વસતી ગંગાસ્વરૂપા બહેનોને NFSAનો લાભ આપવામાં આવશે.આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી જગદીશ ગામીત, પ્રાંત અધિકારીશ્રી ઠાકોર, મામલતદારશ્રી બી.કે. વસાવા, અગ્રણી દિપક વસાવા સહિત ગ્રામજનો, અગ્રણીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.