માંગરોળ તાલુકા સહિત સુરત જિલ્લામાં મુખ્ય પશુપાલક નિયામક સહિત તેવીસ જગ્યાઓ ખાલી, આ જગ્યાઓ ભરવા એડવોકેટ દર્શનભાઈ નાયકે રાજ્યનાં મુખ્ય સચિવને કરેલી રજુઆત
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : વર્તમાન સમયમાં સમગ્ર દેશમાં બર્ડફ્લુ બિમારીનો ફેલાવો થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાત તેમજ સુરત જિલ્લાનામાં પણ બર્ડફ્લુ ના કેસો જોવા મળી રહ્યા છે. આવી વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર પાસે પૂરતો સ્ટાફ હોવો ખૂબ જરૂરી છે.માંગરોળ તાલુકા સહિત, સુરત જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગમાં પશુધન ચિકિત્સક ની ૨૫ માંથી ૧૨ જગ્યા તથા પશુ ચિકિત્સકની ૧૭ માંથી ૧૦ તથા મુખ્ય નાયબ પશુપાલક નિયામકની જગ્યા છેલ્લા ઘણાં લાંબા સમયથી ખાલી પડી છે. જેથી આ જગ્યાઓ ભરવા એડવોકેટ દર્શનભાઈ નાયકે રાજ્યનાં મુખ્યસચિવ અનિલ મુકિમજીને એક પત્ર પાઠવી ખાલી જગ્યાઓ ભરવા માંગ કરી છે. સુરત જિલ્લા પંચાયત ના પશુપાલન વિભાગમાં ઉપરોકત ખાલી પડેલ જગ્યા ઓ પ્રશ્ને એમનાં દ્વારા સુરત જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં તથા વહીવટી તંત્રમાં તેમજ સરકાર શ્રીમાં પત્ર દ્વારા અનેકો વખત રજુઆત કરવા છતા પણ આજદિન સુધી સદર ખાલી જગ્યાઓની ભરતી કરવામાં આવીનથી. સરકાર દ્વારા પશુસારવાર કેમ્પ કરવામાં આવે છે તથા વેકસીન લગાવના કેન્દ્રો પણ શરૂ કરવામાં આવેલા છે. પરંતુ અપૂરતા કર્મચારીઓ અને પચાસ ટકા કરતા ઓછા સ્ટાફના કારણે સમય મર્યાદામાં આવા ઉપયોગી કાર્યક્રમોનો હેતુ પાર પાડી શકાતો નથી. સુરત જિલ્લામાં નવ તાલુકા આવેલા છે અને અનેક પશુ દવાખાનાઓ આવેલા છે તથા ગામડાઓ અને આદિવાસી વિસ્તતારના નાગરિકોનો ખેતીની સાથે સાથે મુખ્ય વ્યવસાય પશુપાલન પણ છે,અનેક કુટુંબો પશુપાલનના વ્યવસાય દ્વારા પોતાનું તથા પોતાના પરિવારનું જીવન નિર્વાહ ગુજારી રહ્યા છે. દવાખાનાઓમાં પશુચિકિત્સકો અને પૂરતા સ્ટાફની ઘટના કારણે અનેક સરકારી દવાખાનો બંધ હાલતમાં છે,જેના કારણે કેટલાક પશુઓ સામાન્ય રોગના ભોગ બનવાને કારણે સમયસર સારવાર નહી મળવાને કારણે મૃત્યુ પામે છે.જેને કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થવા પામે છે.સુરત જિલ્લાના પશુપાલન વિભાગના મુખ્ય નાયબ પશુપાલન નિયામક જેવા મહત્વપૂર્ણ અધિકારીના અભાવના કારણે સુરત જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગમાં વહીવટી કામગીરી કરવામાં અને પશુપાલકો ને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અંતમાં રજુઆત કરી છે કે ઉપર મુજબની બાબતોની ગંભીરતા સમજી ખેડૂતો અને પશુપાલકોનાં હિતમાં તત્કાલ સુરત જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગમાં પશુઘન ચિકિત્સકો તથા પશુ ચિકિત્સકોની તત્કાલ ભરતી કરી ખાલી પડેલ જગ્યાઓ ભરવામાં આવે એવી માગણી કરી છે.