સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે વ્યારા તાલુકા માટે ચીખલવાવ ખાતેથી “ કિસાન સૂર્યોદય યોજના “નો પ્રારંભ કરાવ્યો

Contact News Publisher

ખેડુતને અન્નદાતાની સાથે ઉર્જાદાતા બનાવવાનું ભગીરથ કામ આ સરકારે કર્યુ છે – સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી

વ્યારા તાલુકાના ૯ ગામોના ૮૧૦ ખેતીવાડી વીજ જોડાણોને દિવસે વીજળી મળશે

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા)  :  સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે આજે વ્યારા તાલુકાના ચાંપાવાડી, કટાસવાણ, ચિખલવાવ, રામપુરાનજીક, ઈન્દુ, વડકુઈ, વાંસકુઈ, ડુંગરગામ અને ભાનાવાડી ગામના ખેડુતોને દિવસે વીજપુરવઠો પુરો પાડવા માટેની “ કિસાન સૂર્યોદય યોજના ” નો ચિખલવાવ ગામેથી પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત ખેડૂતોને સંબોધન કરતા મંત્રીશ્રી પરમારે જણાવ્યું હતું કે, ખેડુતોને દિવસે વીજળી પુરી પાડવી સરકારની જવાબદારી છે જેને ધ્યાને લઈ રાજ્ય સરકારે ખેડૂતોની વર્ષોજુની ખેતી માટે દિવસે વીજપુરવઠો પુરો પાડવાની લાગણી-માગણીને પૂરી કરવા ખેડુતો માટે ખુબજ મહત્વની કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કર્યો છે. આ યોજનાથી આદિવાસી અને જંગલ વિસ્તાર ધરાવતા ખેડુતોને રાત્રે ખેતરમાં સિંચાઈ માટે કામ કરતી વખતે ઝેરી જીવજંતુ અને જંગલી જાનવરોનો ડર રહેતો હતો તેમાંથી મુક્તિ મળશે.
મંત્રીશ્રીએ જણાવ્યુ કે, ખેડુતનું જીવન પરિશ્રમના પરસેવાથી ચમકે છે જેમાં વધુ ચમક લાવવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની આગેવાની હેઠળ વર્તમાન સરકારે અનેકવિધ કૃષિલક્ષી યોજનાઓ અમલમાં મુકી ખેતીને સમૃધ્ધ બનાવી છે. ખેડુતને ફક્ત અન્નદાતા જ નહી ઉર્જાદાતા પણ બનાવવાનું ભગીરથ કામ આ સરકારે કર્યુ છે.
દેશના ખેડુતોના મુખ્ય ત્રણ પ્રશ્નો ગુણવત્તાયુક્ત વીજળી, જરૂરિયાત મુજબ વધુ કનેક્શન અને દિવસે વીજળી આ તમામ પ્રશ્નોને હલ કરનાર સમગ્ર દેશમાં ગુજરાત એક માત્ર રાજ્ય છે. તેમ જણાવી ઉમેર્યુ કે, પ્રત્યેક પરિવારને ખાસ કરીને ખેડુતોને ગુણવત્તાયુક્ત અને નિયમિત વીજળી આપવા માટે સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. તેમણે ડીજીવીસીએલ દ્વારા તાપી જિલ્લામાં વિવિધ યોજના અન્વયે આપવામાં આવતી વીજસુવિધાની વિસ્તૃત જાણકારી આપીને કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા અમલી યોજનાઓનો લાભ લઈ ઉપસ્થિત ખેડુતોને પગભર બનવા અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આગામી વર્ષ ૨૦૨૨માં ખેડુતોની આવક બમણી કરવાના સ્વપ્નને સાકાર કરવા રાજય સરકાર પ્રતિબધ્ધ હોવાનું પણ જણાવ્યું હતુ.
આ પ્રસંગે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ જણાવ્યુ હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં ખેડૂતોના હિતને પ્રાધાન્ય આપી ગુણવત્તાયુક્ત વીજળી સિંચાઈ માટે દિવસે મળી રહે તે માટેની ક્રાંતિકારી યોજનાનો પ્રારંભ કર્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડુતોના કલ્યાણ માટે હંમેશા કટિબધ્ધ રહી છે. તેમ જણાવી ઉમેર્યુ કે, કિસાન સૂર્યોદય યોજનાથી ખેડુતોને દિવસે વીજળી આપીને દિવસે કામ અને રાત્રે આરામની વિભાવનાને સાકાર કરવા સરકારે કિસાન સૂર્યોદય યોજના અમલમાં મુકતા ખેડુતોને રાતના ઉજાગરા, વન્ય પ્રાણીઓ-જીવજંતુઓમાં ભય જેવી મુશ્કેલીઓથી કાયમને માટે મુકિત મળશે. સાંસદ્શ્રીએ વર્ષોની ખેડુતોની માંગણીને પુરી કરવાના સરકારના નિર્યણયની સરાહના કરતા જણાવ્યુ કે, ગુજરાત દેશમાં સૌથી વધુ વીજળી ઉત્પાદન કરતુ રાજ્ય છે. તેમણે સોલાર વીજ યોજનાની જાણકારી આપવા ઉપરાંત અમલી અનેકવિધ કલ્યાણ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા ઉપસ્થિત ખેડુતોને અનુરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, બીજા તબક્કામાં આ યોજના હેઠળ દક્ષિણ ગુજરાતના નર્મદા,તાપી,સુરત,વલસાડ અને નવસારી જિલ્લાના કુલ ૪૫૪ ગામોને ૬૯ ફીડરો દ્વારા ૧૯૭૪૭ ખેતી જોડાણોને આવરી લેવામાં આવ્યા છે. જ્યારે તાપી જિલ્લામાં સાત ફીડરોના ૨૪ ગામો પૈકી વ્યારા તાલુકાના ૯ ગામો તથા સોનગઢ તાલુકાના ૧૫ મળી કુલ ૧૬૩૨ ખેતી વિષયક જોડાણોને દિવસ દરમિયાન સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પુરો પાડવામાં આવશે.
આ પ્રસંગે કલેક્ટર આર.જે.હાલાણી, વ્યારા પ્રાંત અધિકારી હિતેષ જોષી, પક્ષપ્રમુખ ડો.જયરામભાઈ ગામીત, અધિકક્ષક ઈજનેરશ્રી જી.બી.પટેલ, મામલતદારશ્રી ભાવસાર, ચિખલવાવ સરપંચશ્રી હસમુખ ગામીત સહિત પદાધિકારી/અધિકારીઓ, ખેડૂતો તેમજ અગ્રણીઓ સોશ્યલ ડિસ્ટન્ટસ જાળવીને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
…….

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other