ઓલપાડ પંથકમાં લોકોએ કોરોના ભૂલી પતંગોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ૧૪મી જાન્યુઆરી એટલે ‘પતંગોત્સવ’. આ અનોખો પર્વ દેશ-વિદેશમાં વિખ્યાત છે. મકરસંક્રાંતિ, ઉત્તરાયણ જેવા નામો ધરાવતું આ પર્વ જ્યોતિષશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, આરોગ્યશાસ્ત્ર તથા આધ્યાત્મિકતાની દૃષ્ટિએ વિશેષ મહત્વ ધરાવે છે. આ પર્વ આબાલવૃદ્ધમાં નવી સ્ફૂર્તિ, ઉત્સાહ અને નવું જોમ પ્રદાન કરે છે. આ દિવસે ઉડતા પતંગો મનુષ્યમાં રહેલા કામ, ક્રોધ, મોહ, માયા, લોભ, ઈર્ષ્યા, જડતા વગેરે જેવા વિકારોને ઉડાડી મૂકવાનો સંદેશો પાઠવે છે.
ચાલુ વર્ષે કોરોના મહામારીના પગલે આ પર્વની ઉજવણીનો ઉત્સાહ ફિક્કો પડશે એમ લાગતું હતું પણ ઓલપાડ, સાયણ, કીમ નગર સહિતના અન્ય ગામડાઓમાં લોકોએ કોરોનાનું દુઃખ ભૂલી પતંગોત્સવની ઉમંગભેર ઉજવણી કરી હતી. લોકોએ પોતાના ઘરોના છાપરા ઉપર કે ધાબા ઉપર ચઢી સરકારી ગાઇડલાઇન્સના પાલન સાથે પતંગ ચગાવવાની મોજ માણી હતી. લોકોએ પતંગ કાપ્યાનો તથા પતંગ કપાયાનો એમ બંને સરખો આનંદ માણ્યો હતો. લોકોની ચિચિયારીઓ, હાકોટા અને પિપૂડાના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
વહેલી સવારથી માંડી સાંજ સુધી બાળકો, યુવક-યુવતીઓ તેમજ વયસ્ક મહિલા-પુરુષોએ પતંગ ચગાવવાની સાથોસાથ દાણા, ચણા, તલ, મમરાનાં લાડુ તથા ચીકી ઉપરાંત જલેબી-ફાફડા અને ઊંધિયાની ભરપેટ મિજબાની માણી હતી. પતંગ રસિયાઓને આજે પવને પણ ભરપૂર સાથ આપ્યો હતો. સૌએ પેચબાજીનો ભરપૂર આનંદ લૂંટ્યો હતો. તો બીજી બાજુ ગોગલ્સ પહેરેલા નાના બાળકો આકર્ષણ જમાવતા નજરે પડતા હતા.
સનાતન હિંદુ ધર્મ સંસ્કૃતિમાં મકરસંક્રાંતિ પર્વનું મહાત્મ્ય અનેરૂ રહ્યું છે. લોકોએ આ દિવસે પોતપોતાની માન્યતા મુજબ ચકલીને ચણ નાંખવું, ગાયોને ઘાસ ખવડાવવું, તીર્થ યાત્રા કરવી, દાન કરવું, નદીમાં સ્નાન કરવું ઉપરાંત પોતાના સ્વર્ગસ્થ સ્નેહીજનોની આત્માને શાંતિ માટે પૂજા-અર્ચના કરવા જેવી ધાર્મિક વિધિઓ આટોપી હતી.