વ્યારા ખાતે સ્વામી વિવેકાનંદની ૧૫૮મી જન્મ જયંતિ નિમિત્તે ‛યુગ પુરૂષ યુવા સંવાદ’ યોજાયો
રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સ્વામી વિવેકાનંદ રાજ્ય યુવા બોર્ડ આયોજીત કાર્યક્રમમાં તાપી જિલ્લાના વિવિધ ક્ષેત્રે યોગદાન આપનાર તેજસ્વી તારલાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : તા.૧૩ – તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા (દક્ષિણાપથ વિદ્યાલય) ના પટાંગણમાં તા.૧૨/૦૧/૨૦૨૧ ના રોજ સાંજે ૫ કલાકે સ્વામી વિવેકાનંદની ૧૫૮મી જન્મ જયંતિ નિમિત્તે ‘યુગ પુરૂષ યુવા સંવાદ’ કાર્યક્રમ યોજાયો હતો. રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સ્વામી વિવેકાનંદ રાજ્ય યુવા બોર્ડ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાપી જિલ્લાના વિવિધ ક્ષેત્રે સિધ્ધિઓ હાંસલ કરી તાપી જિલ્લાનું નામ રોશન કરનાર તેજસ્વી તારલાઓનું સમારંભના અધ્યક્ષ નિવાસી અધિક કલેકટરશ્રી બી.બી.વહોનિયા સહિત મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું.
જિલ્લાના યુવાન-યુવતિને સંબોધતા બી.બી.વહોનિયાએ જણાવ્યું હતું કે યુવાનો ધારે તે કરી શકે છે. યુવાઓમાં વિપુલ પ્રમાણમાં શક્તિઓ પડેલી હોય છે. માત્ર ઔપચારિકતા નહીં પરંતુ સાચા અર્થમાં તેને સાકાર કરવી જોઈએ. યુવાનો ધારે તે કરી શકે છે. પુસ્તક જેવો કોઈ મિત્ર નથી. સતત વાંચન કરી જ્ઞાન મેળવવા તેમજ સ્વામીજીના સંદેશને આત્મસાત કરવા વહોનિયાએ સૌને અનુરોધ કર્યો હતો.
તાપી જિલ્લા ક્રિકેટ એસોશિએશનના પ્રમુખ અને સી.એમ.ઓ ના નિવૃત અધિકારી નરેન્દ્રભાઈ ગામીતે યુવાનોમાં પડેલી શક્તિઓને બહાર લાવવા માટે પોતાના અનુભવનું ભાથુ પીરસતા કહયું હતું કે ગામડાઓમાં રમત-ગમતના સાધનો આપવાની સરકારશ્રીની યોજના ખૂબ જ સારી છે. જેનો સદઉપયોગ થાય અને પોતાના કૌશલ્યને બહાર લાવવાનો પ્રયાસ કરવો જોઈએ.
ઝોન-૧ ના સહ સંયોજક કુલીન પ્રધાને સૌ મહાનુભાવોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે જિલ્લાના તમામ યુવાનોએ પોતાનો ધ્યેય સિધ્ધ ન થાય ત્યાં સુધી જંપવુ ન જોઈએ.કોઈપણ કાર્યની શરૂઆત સંકલ્પબધ્ધ રીતે કરવામાં આવે તો ચોક્કસ આપણાં કાર્યને સફળતા મળશે. આપણે કટીબધ્ધતા સાથે જ આગળ વધીએ.
‘યુગ પુરૂષ યુવા સંવાદ’ કાર્યક્રમમાં રાજ્યકક્ષાએથી માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાનેથી યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેમાં પેરવડ,અંધારવાડી, ઘાટા, વ્યારા, બેડકુવા નજીક, ઝાંખરી ગામના યુવા મંડળોના યુવામિત્રો જોડાયા હતા. તાપી જિલ્લાને ગૌરવ અપાવનાર ડો.દ્રષ્ટિ સોલંકી, ડો.શીતલ પટેલ, રાજવી ભટ્ટ, ઈવા પટેલ, જયેશભાઈ ગામીત, પ્રદીપ ચૌધરી, ઉમેશ તામસે જેવા તેજસ્વી તારલાઓનું મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. તેમજ યુવા મંડળોને રમત-ગમત કિટ વિતરણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગ્રામ સેવા સમાજ સંસ્થાના પ્રમુખ ગણપતકાકા, સિનિયર કોચ ચેતન પટેલ, જિલ્લા રમત-ગમત યુવા વિકાસ અધિકારી અમૃતાબેન ગામીત,ડોલારા સરપંચ લાલુભાઈ, રાણીઆંબા સરપંચ, ભાજપના નીલાબેન, આચાર્ય સંઘના પ્રમુખ બીપીનભાઈ ચૌધરી સહિત યુવા મંડળોએ સોશ્યલ ડિસ્ટન્સ જાળવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
૦૦૦૦૦