સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ઓલપાડ શાખા દ્વારા બાલિકા સન્માનનો વિશેષ કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  આપણે દર વર્ષે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ પૂરા જોશથી ઉજવીએ છીએ. પરંતુ આઝાદીના આટલા વર્ષો પછી પણ બાલિકા સાથેનો ભેદભાવપૂર્ણ વ્યવહાર સમાજમાં પ્રચલિત છે. ગુણવત્તાલક્ષી શિક્ષણથી પણ તેમને વંચિત રાખવામાં આવે છે. આજે છડેચોક બાલિકાઓ તેમજ મહિલાઓ સાથે દુર્વ્યવહાર થાય છે ત્યારે આ સંવેદનશીલ વિચારો પ્રતિ આપણે સૌએ આત્મચિંતન કરવાની જરૂરિયાત છે. બાલિકાઓના શિક્ષણ માટે સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે જેનો પ્રચાર-પ્રસાર કરવો એ એક જાગૃત નાગરિક તરીકે દરેકની ફરજ છે. સાથે જ શાળાઓ, સંસ્થાઓ અને સમાજની પણ એટલી જ જવાબદારી છે.
ઉપરોક્ત વિધાનોને ચરિતાર્થ કરવા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ઓલપાડ શાખા (એસ.એ.ઓ.-૩ સુરત) દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સી.એસ.આર. એક્ટિવિટી-૨૦૨૦) નાં બેનર હેઠળ ફેલિસીટેશન ઓફ ગર્લ ચાઇલ્ડ (બાલિકા સન્માન) નો એક વિશેષ કાર્યક્રમ અત્રેની શાખામાં રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ચીફ મેનેજર બિનોદ પ્રસાદ, ઓલપાડ બ્રાન્ચના મેનેજર અમિતકુમાર, આસિ. બ્રાંચ મેનેજર શ્રીમતી પૂજા કુમારી, કરંજના સી.આર.સી.કો-ઓર્ડીનેટર વિજય પટેલ ઉપરાંત અસ્નાબાદ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ધોરણ-૧ થી ૫ ની બાલિકાઓ અને શિક્ષિકા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
બેંકના ચીફ મેનેજર બિનોદ પ્રસાદે સૌને આવકારી પોતાની મૃદુ અને સરળ ભાષામાં બાલિકાઓને આ કાર્યક્રમ અંગેની રૂપરેખા વર્ણવી હતી. તેમણે પ્રાચીન કાળની અને સાંપ્રત સમયની બાલિકાઓ અને મહિલાઓની સિદ્ધિઓ વર્ણવીને બાલિકાઓ સાથે હળવાફૂલ બની કાર્યક્રમની પ્રસ્તાવના બાંધી હતી. તેમણે બાલિકાઓને સંદેશો આપ્યો હતો કે તમારામાં સુપરપાવર બનવાની શક્તિ છે, એના માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે. જો તમે આત્મવિશ્વાસથી શિક્ષિત બનશો તો ભવિષ્યમાં મનગમતા ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી શકશો. અંતમાં તેમણે બાલિકાઓના કાલીઘેલી ભાષામાં રજૂ થયેલા પ્રશ્નોના ખૂબ જ સંતોષકારક જવાબો આપ્યા હતા.
કાર્યક્રમના દ્વિતીય ચરણમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બાલિકાઓને શૈક્ષણિક કીટ અર્પણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. તદુપરાંત બેંકના દરેક શૈક્ષણિક કાર્યક્રમોમાં સહકાર આપવા બદલ કરંજના સી.આર.સી.કો-ઓર્ડીનેટર વિજય પટેલનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. અંતમાં બાલિકાઓએ ભણી-ગણીને પરિવારમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ લાવવાના સંકલ્પ લીધા હતા.
કાર્યક્રમના અંતિમ ચરણમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ઓલપાડના બ્રાન્ચ મેનેજર અમિત કુમારે ઉપસ્થિત સૌને કોરોના મહામારીને માત કરવા તથા તેના સંક્રમણને રોકવા તમામ સરકારી ગાઇડલાઇનને અનુસરવાના અનુરોધ સાથે આભારવિધિ આટોપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા બેંકના પટાવાળા (સેવક) જીગ્નેશ પટેલે જહેમત ઉઠાવી હતી. અસ્નાબાદ પ્રાથમિક શાળાની શિક્ષિકા બહેનો કલ્પના પટેલ, શાંતા પટેલ તથા પ્રફુલ્લા બાંભણિયાએ બાલિકાઓને હેમખેમ ઘરેથી લાવવા-લઈ જવાની ખડેપગે સુંદર કામગીરી બજાવી હતી.ઓલપાડના બી.આર.સી. કો-ઓર્ડીનેટર કિરીટભાઈ પટેલ તથા ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવભાઈ પટેલે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, ઓલપાડ શાખાના સમાજ ઉત્થાનના આવા હકારાત્મક અભિગમને બિરદાવી બેંકનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા. એમ તાલુકાના પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other