મેક ઈન ઈન્ડિયા’ના વિઝન હેઠળ સાકારિત થયેલી ૯૧મી કે-૯ વજ્ર ટેન્કને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી આવનારા સમયમાં ગુજરાતમાં ડિફેન્સના સાધનોનું નિર્માણ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે : વિજયભાઈ રૂપાણી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ મેક ઈન ઈન્ડિયા ના વિઝન હેઠળ એલ. એન્ડ ટી. હજીરા દ્વારા નિર્મિત થયેલી ૯૧મી કે-૯ વ્રજ ટેન્કને લીલી ઝંડી આપી પ્રસ્થા ન કરાવ્યું હતું. આ વેળાએ વજ્ર ટેન્કની આરતી ઉતારી પરંપરાગત પુજન-અર્ચન કરીને ટેન્ક પર સવાર થઈને અભિવાદન ઝીલ્યું હતું. ગુજરાતની સાહસિક ભૂમિ પર એલ.એન્ડ ટી. કંપની ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને સાકારિત કરીને અભેદ્ય કિલ્લા સમાન વજ્ર ટેન્કનું ઉત્પાદન કરી રહી છે જે બદલ અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રીએ આત્મનિર્ભર ભારત, મેક-ઈન ઈન્ડિયા, સ્કીલ ઈન્ડિયા, ડિઝીટલ ઈન્ડિયા જેવા અભિયાનો સૂત્રો સાથેનું આગવો દ્રષ્ટિકોણ આપીને દેશની જનતામાં નવી આશા-જોમનું સર્જન કર્યું છે. સમગ્ર વિશ્વમાં એલ એન્ડ ટી કંપનીએ એન્જિનિયરીંગ ક્ષેત્રે અશકયને શકય બનાવીને દેશનું ગૌરવ વધાર્યું છે. ડિફેન્સના સાધનો પહેલા બહારથી આયાત કરવા પડતા હતા. હવે DRDO મારફતે સંશોધનો કરીને આપણે ત્યાં સાધનોનું નિર્માણ થાય તે દિશામાં સરકારે કાર્ય હાથ ધર્યું છે. સંરક્ષણ શસ્ત્ર સરજામનું ભારતમાં નિર્માણ શરૂ કરીને કંપનીએ શ્રેષ્ઠતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે. આ કંપનીએ ગુજરાતમાં વિશ્વનું સૌથી મોટુ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ બનાવવાનું બીડુ ઝડપી પોતાની ઉચ્ચ ઈજનેરી ક્ષમતા સાબિત કરી છે. હેવી ઈન્ડસ્ટ્રીઝને ઝડપી પાણી, ઉર્જા, જમીનો સહિતની સુવિધાઓ મળે તે માટે સિંગલ વિન્ડો સિસ્ટમ અપનાવી છે જેનાથી ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન ઓફ ઈન્વેસ્ટમેન્ટ બન્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આર્મર્ડ સિસ્ટમ કોમ્પલેક્ષનું નિરીક્ષણ પણ કર્યુ હતું. આ પ્રસંગે પોલીસ કમિશનર અજય તોમર મ્યુ. કમિશનર બંછાનિધિ પાની, કંપનીના ઉચ્ચ અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.