વ્યારા : નેશનલ હાઈવેને અડીને આવેલા ખેતરોમાં ખેડૂતોને અવર જવર કરતા પોલીસ દ્વારા થતી હેરાનગતી અંગે કલેક્ટરને સરપંચોનું આવેદન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારાના સુરત-ધુલિયા નેશનલ હાઈવેને અડીને આવેલા ટીચકપુરા ખુશાલપુરા કોહલી માયપુર પનીયારીના સરપંચ દ્વારા હાઈવેને અડીને આવેલા ખેડૂતોના ખેતર માટે અવર જવર તેમજ રોંગ સાઈડ વાહનો લઈ જવા માટે થતી હેરાનગતિ બાબતે કોઈ ઉકેલ માટે કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ.
વ્યારા નેશનલ હાઈવેને અડીને આવેલ સુરત ધુલિયા હાઈવે પર મોટાભાગના ખેડૂતોની જમીન આવેલી છે. જે હાઇવેને મધ્યમાંથી બંને સાઈડની ડિવાઇડરની લાઈન મુકવામાં આવેલ છે જે જમીનમાં ખેતી કરવા જવા આવવા માટે નેશનલ હાઈવેનો ઉપયોગ થાય છે. જ્યારે વાહનોને પણ ખેતીના પાકો લઈને અવરજવર કરવા માટે ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બંને સાઇડ પર અવાર જવર કરી શકાય પરંતુ તમામ ગામોના ખેડૂતોને ગામના ટીચકપુરા મુકામે આવેલ બાયપાસ રોડ પરના એકમાત્ર નાકાનો ઉપયોગ કરવો પડે છે અન્ય જગ્યાએથી બિલકુલ બંને સાઇડ પર આવ જાવ કરી શકાતું નથી તેમજ ખેતીના વાહનોને પણ ખેતી પાકો લઈને અવરજવર કરવા માટે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અમુક સમયે ખેડૂતોને ખેતરે જવા માટે રોંગ સાઈડ જવાની નોબત આવે છે અને રોંગ સાઈડ જાય ત્યારે કેટલીકવાર પોલીસ દ્વારા હેરાન કરવામાં આવે છે અને દંડ વસુલ કરવામાં આવે છે. જેથી દરેક ખેડૂતોને પોતાના ખેતરમાં જવા માટે યોગ્ય સગવડ કરી આપવામાં આવે અને પોલીસ દ્વારા હેરાનગતિ ન કરવામાં આવે તથા દંડ ન લેવામાં આવે અને મોજે ટીચકપુરા ગામે બાયપાસ હાઈવે પર આવેલા નાકા પર થોડા થોડા દુરના અંતરે બંને તરફ અવર જ્વર માટે ગામોના ખેડૂતો તેમજ રાહદારીઓને પોતાના વાહનો લઇ જવા આવવા તેમજ સુગમતા રહે તે માટે જરૂરી નિર્ણય લઈ જે તે સરકારી વિભાગોને જાણ કરી આ બાબતનું નિરાકરણ કરી કોઈ ઉકેલ લાવવા બાબતે લેખિત રજૂઆત કલેક્ટર ને કરાઇ છે.