વ્યારા ખાતે કલેક્ટરશ્રી આર.જે. હાલાણીની અધ્યક્ષતામાં શિક્ષણ સહાયકોની ભરતી પ્રક્રિયા નિમણૂંકપત્ર એનાયત કાર્યક્રમ યોજાયો
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : ગુજરાત રાજ્ય નિયામકશ્રી શાળાઓની કચેરી, ગાંધીનગર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તાપી દ્વારા આયોજિત સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી પ્રક્રિયા નિમણૂંકપત્ર એનાયત કાર્યક્રમ કલેક્ટર આર.જે. હાલાણીની અધ્યક્ષતામાં દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય વ્યારા ખાતે યોઆયો હતો. જેમાં કુલ ૨૪ જગ્યાઓ પૈકી ૨૧ જગ્યાઓ માટે કલેક્ટરશ્રી આર.જે. હાલાણી, કમિશ્નર શાળાઓની કચેરી ગાંધીનગરના નાયબ નિયામક બી.સી.સોલંકી, જિલ્લા શિક્ષણાધિકારીસર્વશ્રી તાપી એમ.સી.ભુસારા, નવસારી રોહિતભાઈ ચૌધરી, શિક્ષણ નિરીક્ષક શ્રી દિનેશભાઈ ચૌધરી, આચાર્ય સંઘના પ્રમુખના હસ્તે કુમકુમ તિલક કરી, ફુલ આપવા ઉપરાંત મોં મીઠું કરાવીને નિમણૂંકપતત્રો એનાયત કરાયા હતા.
આ પ્રસંગે પ્રેરક પ્રવચન કરતા કલેક્ટરશ્રીએ નિમણૂંક પામેલ ઉમેદવારોને વર્તમાન સમય સંજોગોને ધ્યાને રાખીને નવીનતમ ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરી વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર શિક્ષણ આપવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી રોહિતભાઈ ચૌધરી ,નાયબ નિયામક બી.સી.સોલંકી પ્રાસંગિક પ્રવચન કર્યુ હતુ.
કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ નવ નિયુક્ત શિક્ષણ સહાયકોને પ્રોત્સાહન પૂરુ પાડવા ભાવનગર ખાતેથી યુ-ટ્યુબના માધ્યમથી જીવનપ્રસારણ દ્વારા પોતાના આશીર્વચન આપી અને રાજ્યના તમામ જિલ્લાઓમાં આજે નિમણૂંક પામેલા શિક્ષકોને આર્થિક ઉપાજન ન સમજી સમાજ સેવા તરીકે લેવા શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભૂસારાએ સ્વાગત-વિધિ તથા શિક્ષણ નિરીક્ષક દિનેશભાઈ ચૌધરીએ આભારવિધિ કરી હતી.
…….