તાપી : મિલ્કતો ભાડે આપતા માલિકોએ વિગતો પોલીસ સ્ટેશનમાં આપવી
(માહિતી બ્યુરો દ્વારા; વ્યારા) : તાપી જિલ્લામાં કોઇ રહેણાંક મકાન/દુકાન/ઓફિસ કે ઔદ્યોગિક એકમોના માલિકો કે સંચાલકોએ અગર તો આવી મિલ્કતો ભાડે આપે તો તેની માહિતી તૈયાર કરી નજીકના પોલીસ સ્ટેશન અને મામલતદાર ઓફિસમાં આપવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ જાહેરનામું બહાર પાડી તાકીદ કરી છે.
જાહેરનામાં જણાવ્યા અનુસાર તાપી જિલ્લામાં કોઇ મકાન/દુકાન/ઓફિસ/ઔદ્યોગિક એકમોના માલિકો કે સંચાલકોએ એકમો ભાડે આપ્યા હોય તેવી મિલ્કતોની માહિતી તૈયાર કરી સંબંધિત પોલીસ સ્ટેશન અને
મામલતદાર ઓફિસમાં દિન સાતમાં જાણ કરવાની રહેશે.
મકાન/દુકાન/ઓફિસ/ઔદ્યોગિક એકમોના માલિકો, સંચાલકો કે ખાસ સત્તા આપી હોય તેવી વ્યક્તિ હવે પછી આવી કોઇ મિલ્કતો ભાડે આપે ત્યારે તેઓએ સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઇ વ્યક્તિને આવી મિલકતો ભાડે આપી શકશે નહિં. હવે પછી ભાડે આપવાના મકાન/દુકાન/ઓફિસ/ઔદ્યોગિક એકમો વિગત ભાડુઆત અને સંબંધિત દલાલ કે જેઓએ ભાડુઆતની ઓળખાણ આપેલ હોય તે અંગેની જરૂરી માહિતી નિયત નમૂનામાં તૈયાર કરી જે તે વિસ્તારના સંબંધિત પોલીસ સ્ટેશન તથા મામલતદારને દિન-૭માં આપવાની રહેશે. આ હુકમ તા. ૨૬/૦૨/૨૦૨૧ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.