માંગરોળ અને ઉમરપાડા તાલુકા સહિત સુરત-તાપી જિલ્લાના ૨.૫૦ લાખ પશુપાલકોની જીવાદોરી સમાન ગણાતી સુમુલની ૬૯મી વાર્ષિક સામાન્ય સભા આગામી તારીખ ૧૫મી જાન્યુઆરીનાં વિડીયો કોન્ફરન્સ માધ્યમથી યોજાશે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ અને ઉમરપાડા તાલુકા સહિત સુરત અને તાપી જિલ્લાના ૨ લાખ અને ૫૦ હજાર પશુપાલકોની જીવાદોરી સમાન ગણાતી, દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી સસ્થા સુમુલ ડેરીની ૬૯મી વાર્ષિક સામાન્ય સભા આગામી તારીખ ૧૫મી જાન્યુઆરીનાં, શુક્રવારે, સવારે દશ કલાકે વિડીયો કોન્ફરન્સ નાં માધ્યમથી યોજાશે. ચાલુ વર્ષે કોરોનાંની મહામારીને પગલે કોવિડ-૧૯ની ગાઈડ લાઈનનું પાલન ફરજીયાત કરવાનું હોય, સુમુલ ડેરીની ૬૯મી વાર્ષિક સામાન્ય સભા વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અંગેની કાર્યસૂચિ, અહેવાલની નકલ અને દુધ મંડળીનાં પ્રતિનિધિઓએ ક્યાં સ્થળે હાજર રહેવાનું છે. તે મોકલી આપવામાં આવી છે. આ બેઠકમાં સંઘના પેટા કાયદા અનુસાર દરેક સભાસદ મંડળીમાંથી ફક્ત એક જ પ્રતિનિધિ કે જેનાં નામનો ઠરાવ થયો હોય તે પ્રતિનિધિ ભાગ લઈ શકશે. ગણપૂર્તિના અભાવે મુલતવી રહેલી આ સભા તેજ દિવસે અને તેજ સ્થળે એક કલાક બાદ ફરી મળશે. અને નોટીસમાં જણાવ્યા મુજબની કાર્યવાહી કરશે અને તે કાયદેસરની ગણાશે. સભાસદોએ હિસાબી કામકાજ અંગેની તથા બીજી કોઈપણ માહિતીની જરૂર હોય તો તેમણે ત્રણ દિવસ અગાઉ સુમુલની રજીસ્ટર્ડ ઓફીસે આવી સમજી જવી. બેઠકમાં મંડળીના અધિકૃત પ્રતિનિધિને જ પ્રવેશ આપવામાં આવશે. જેથી સભાસદે કાર્યસૂચિ અને અહેવાલ સાથે લાવવા જણાવાયું છે. આ બેઠકમાં હાજર રહેનારા તમામ સભાસદોએ કોવિડ-૧૯ની ગાઈડ લાઈનનું ફરજીયાત પાલન કરવાનું રહેશે. એમ નિયામક મંડળના આદેશથી એ.એચ. પુરોહિત, ઇન્ચાર્જ મેનેજીંગ ડિરેક્ટરે જણાવ્યું છે.