FASTag : ટોલ ચૂકવવાની તારીખ 1 જાન્યુઆરી થી વધારીને કરાઈ 15 ફેબ્રુઆરી
નવી દિલ્હી, FASTag અંગે અત્યંત રાહતના સમાચાર આવ્યા છે. હવે તમારે પહેલી જાન્યુઆરીથી ફાસ્ટેગ માટે ચિંતા કરવાની જરૂર નથી. તમે હવે 15 ફેબ્રુઆરી સુધી તમારી ગાડીઓમાં ફાસ્ટેગ લગાવી શકશો . NHAI એ લોકોને FASTag મળવામાં આવતી મુશ્કેલીઓ જોતા આ નિર્ણય લીધો છે. પહેલા દેશના તમામ રાષ્ટ્રીય રાજમાર્ગોથી પસાર થવા બદલ ટોલ ચૂકવવા માટે 1 જાન્યુઆરી 2021 થી ગાડીઓમાં ફાસ્ટેગ લગાવવું ફરજિયાત કરી દેવાયું હતું. હાલ ફાસ્ટેગ દ્વારા ટોલ પ્લાઝાથી કલેક્શન 75-80 ટકા છે. રોડ અને પરિવહન મંત્રાલયે NHAI ને સૂચન આપ્યું કે તેઓ 100 ટકા કેશલેસ કલેક્શન માટે તમામ જરૂરી મંજૂરીઓ લઈને તને 15 ફેબ્રુઆરીથી લાગુ કરે. FASTag બે પ્રકારના છે. એક હોય છે NHAI ના ટેગવાળો અને બીજો હોય છે જે બેન્કો પાસેથી લેવાયો છે. 1 ડિસેમ્બર 2017 બાદ જે પણ ગાડીઓ ખરીદવામાં આવી છે તેમાં ફાસ્ટેગ પહેલેથી ફીટ થઈને આવે છે. જો તમે તે અગાઉ કાર ખરીદી છે તો તમારે ફાસ્ટેગ અલગથી ખરીદવું પડશે.