માંગરોળ તાલુકામાં પ્રથમ કમોસમી વરસાદ અને ત્યારબાદ ઝાંખર પડતાં ખેતીનાં પાકોને વ્યાપક નુકશાન
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકામાં પ્રથમ કમોસમી વરસાદ પડ્યો અને ત્યારબાદ એકાએક ઝાંખર પડતાં માંગરોળ તાલુકાનાં ખેડૂતોનાં ઉભાપાકોને વ્યાપક નુકશાન થવા પામ્યું છે. ચાલુ વર્ષે મોસમની અનિયમિતતાને પગલે ખેડૂતોના પાકોને વ્યાપક નુકશાન થવા પામ્યું છે. ચોમાસાની મૌસમ ચાલુ વર્ષે લેટ શરૂ થઈ જેને પગલે શરૂઆતના પાકો નિયત સમય કરતાં લેટ લઈ શકાયા. ત્યારબાદ જે પાકોની ખેતી કરવામાં આવી ત્યારપછી કમોસમી વરસાદ પડ્યો અને વરસાદ પડ્યા બાદ ત્વરીત ઝાંખર પડવાનું શરૂ થયું આમ એકી સાથે બે મોસમો શરૂ થતાં ખેડૂતોનાં ખેતરમાં ઉભેલા પાકોને વ્યાપક નુકશાન થવા પામ્યું છે. ખેતરમાં ઉભેલા તુવેર, જુવાર, દિવેલા સહિતનાં પાકો બળી જવા પામ્યા છે. ખાસ કરી જુવાર બળીને કાળી થઈ ગઈ છે.જ્યારે તુવેરમાં જીવાતો પડી જવા પામી છે. આને પગલે સફેદ જુવારનાં ભાવો ચાલુ વર્ષે આસમાને પોહચશે. જેને પગલે માંગરોળ, ઉમરપાડા અને માંડવી તાલુકામાં બહુજન વસ્તી મજૂર વર્ગોની છે. આ લોકોનો મુખ્ય ખોરાક જુવારનાં રોટલા છે. પરિણામે મજુરવર્ગે ઉંચી કિંમતે સફેદ જુવાર ખરીદવા નો વખત આવ્યો છે. જ્યારે લાલ કે કાળી પડી ગયેલી જુવારનાં ભાવો ગગડી જશે. જેનું નુકશાન આખરે ખેડૂતોએ ભોગવવું પડશે. આમ ચાલુ વર્ષ આફતોથી ભરેલું વર્ષ રહ્યું છે. કોરોનાની હાડમારી, નિયત સમય કરતાં લેટ વરસાદ, કમોસમી વરસાદ અને ઝાંખર આમ ખેડૂતોને ભારે નુકશાન ભોગવવાનો વખત આવ્યો છે. તાજેતરમાં પડેલાં કમોસમી વરસાદથી ઉભા પાકોને નુકશાન થયું છે. એની નુક્શાનીનું વળતર સરકાર ખેડૂતોને ચૂકવે એવી માંગ ખેડૂતોએ કરી છે.