ખેલ મહાકુંભમાં ઓલપાડની રાજનગર પ્રાથમિક શાળાના બાળકોની ઝળહળતી સિધ્ધિ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૨૦. ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2026-27 અંતર્ગત તાજેતરમાં તાલુકા કક્ષાની વિવિધ રમત-ગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજનગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી શાળા અને ગામનું ગૌરવ વધાર્યું છે. માસમા ખાતે યોજાયેલ આ સ્પર્ધાઓ પૈકી કન્યા અંડર-14 વિભાગની 200 મીટર દોડમાં શાળાની વિદ્યાર્થીની કિંજલકુમારી વિનોદભાઈ રાઠોડે પ્રથમ ક્રમ, લાંબી કૂદ સ્પર્ધામાં ટ્વિંકલકુમારીએ દ્વિતીય ક્રમ અને કિંજલકુમારીએ તૃતીય ક્રમ મેળવી શાળાને ગૌરવ અપાવ્યું હતું. બીજીતરફ કુમાર અંડર-14 વિભાગની 200 મીટર દોડમાં ધીરેનકુમારે પ્રથમ ક્રમ મેળવી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ઉપરોક્ત તમામ સ્પર્ધાઓ માટેના કોચ એવાં નિકુંજભાઈ પટેલે બાળકોને સખત પરિશ્રમ અને વિશેષ માર્ગદર્શન આપી પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું. આ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય જતીન પટેલ તેમજ SMC અધ્યક્ષ કૌશલ્યાબેને તમામ વિજેતા વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન માટે શુભેચ્છાઓ આપી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
●●●
