વ્યારાની કુસુમ જયેશ ભુલકા ભવન ગીતા રમેશ પ્લે સ્કૂલમાં નવરાત્રી ટ્રેડિશનલ ડ્રેસ હરીફાઈ યોજાઈ

નાના ભૂલકાઓ અને વાલીઓએ પરંપરાગત પોશાકમાં ગરબે ઘૂમી નવરાત્રીના રંગે રંગાયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૯.: શ્રી ર.ફ.દાબુ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કુસુમ જયેશ ભુલકા ભવન ગીતા રમેશ પ્લે સ્કૂલ, ગુજરાતી માધ્યમ ખાતે તારીખ ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ શનિવારે નવરાત્રી ટ્રેડિશનલ ડ્રેસ હરીફાઈનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાલી મિત્રો અને નાના ભૂલકાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
નવરાત્રીના રંગે રંગાયેલા આ કાર્યક્રમમાં નાના ભૂલકાઓ અને વાલીઓ વિવિધ આકર્ષક પરંપરાગત પોશાક પહેરીને ઉપસ્થિત રહ્યા હતા. રંગબેરંગી ચણિયાચોળી, કેડિયાં અને અન્ય પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ બાળકોની સુંદરતા અને ઉત્સાહે સૌનાં મન મોહી લીધાં હતાં. પરંપરાગત વેશભૂષામાં સજ્જ નાના ભૂલકાઓએ ગરબે ઘૂમીને નવરાત્રીના ઉત્સવને યાદગાર બનાવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન બાળકોમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને લોકકલા પ્રત્યેની રુચિ કેળવાય તેમજ તેઓ પોતાની સંસ્કૃતિથી પરિચિત થાય તેવો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાળકોની સાથે વાલીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને વધુ આનંદમય બનાવ્યો હતો.
આ કાર્યક્રમમાં બાળકોની નિર્દોષ અદાઓ, આકર્ષક પરંપરાગત પોશાક અને ગરબાના તાલે ઝૂમતા ભૂલકાઓએ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. શાળા પરિવાર અને વાલીઓના સહિયારા પ્રયાસોથી સમગ્ર કાર્યક્રમ આનંદમય, ઉત્સાહસભર અને યાદગાર બની રહ્યો હતો.
આમ, સંસ્થા અને ભુલકા ભવન પરિવારના સંયુક્ત પ્રયાસોથી નવરાત્રી ટ્રેડિશનલ ડ્રેસ હરીફાઈનું સુંદર આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. આ કાર્યક્રમ બાળકો માટે મનોરંજનની સાથે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને જાણવાનો એક સુંદર અવસર પણ બની રહ્યો હતો.
●●●
