સુરત ઉમરા 181 અભયમ ટીમે પતિની હેરાનગતિથી પરેશાન મહિલાને કાઉન્સેલિંગ અને કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડ્યું

0
181 abhayam mahila helpline number.

181

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : તા. ૧૪. સુરત શહેર વિસ્તારમાં રહેતી એક મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર સંપર્ક કરીને પતિ દ્વારા વારંવાર શંકા કરવી, અપમાનજનક વર્તન કરવું, અવરજવરમાં રોકટોક કરવી તેમજ પોતાની ઇચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધવા માટે દબાણ કરવામાં આવતું હોવાની રજૂઆત કરી હતી.

 

મહિલાની રજૂઆતના આધારે સુરત ઉમરા 181 અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તેમની વાત સાંભળી પરિસ્થિતિને સમજી જરૂરી સહાય પૂરી પાડી હતી.

 

મહિલાએ જણાવ્યું હતું કે તેમના લગ્નજીવનને આશરે 18 વર્ષ થયાં છે અને તેમને બે પુત્રો છે. પતિ રસોઈકામ કરતા હોવાથી પરિવારના ખર્ચ માટે પૂરતી આર્થિક સહાય મળતી ન હોવાને કારણે મહિલા પોતે કંપનીમાં નોકરી કરીને પરિવારના ખર્ચમાં સહયોગ આપતાં હતાં. તેમ છતાં, પતિ તેમની નોકરી બાબતે શંકા કરતા, અપમાનજનક શબ્દો બોલતા અને નાની-નાની બાબતોમાં રોકટોક કરતા હોવાની રજૂઆત કરી હતી. પતિ દ્વારા અન્ય લોકો પાસેથી ઉધાર લીધેલા નાણાંની ઉઘરાણી માટે મહિલાને ફોન આવતા હોવાથી તેઓ મુશ્કેલી અનુભવતાં હતાં.

 

મહિલાએ વધુમાં રજૂઆત કરી હતી કે પતિ વારંવાર પોતાની ઇચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધવા માટે દબાણ કરતા હતા અને ઇનકાર કરતાં ઝઘડો તથા અપમાનજનક વર્તન કરતા હતા. તાજેતરમાં પણ આવી બાબતને લઈને પતિ દ્વારા જબરદસ્તી કરવામાં આવી હોવાની રજૂઆત કરી હતી. આ પરિસ્થિતિથી પરેશાન થઈ મહિલાએ 181 અભયમની મદદ માગી હતી.

 

અભયમ ટીમે મહિલાની રજૂઆતને ગંભીરતાથી લઈને તેમના પતિનું કાઉન્સેલિંગ કર્યું હતું. પતિને પત્નીની ઇચ્છા અને સંમતિનો આદર કરવા, શંકા અને અપમાનજનક વર્તન ટાળવા, શારીરિક સંબંધો માટે બળજબરી ન કરવા તેમજ પારિવારિક સમસ્યાઓનો ઉકેલ શાંતિપૂર્ણ વાતચીત અને પરસ્પર સન્માનથી લાવવા સમજણ આપવામાં આવી હતી. ઉપરાંત, નાણાકીય બાબતોમાં જવાબદારીપૂર્વક વર્તવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

કાઉન્સેલિંગ દરમિયાન પતિએ પોતાની ભૂલ સ્વીકારી ભવિષ્યમાં વર્તનમાં સુધારો લાવવાની અને પત્નીને હેરાન ન કરવાની ખાતરી આપી હતી. ત્યારબાદ અભયમ ટીમે મહિલાને તેમના અધિકારો, ઉપલબ્ધ કાયદાકીય સહાય અને જરૂરિયાતના સમયે મદદ મેળવવા અંગે જરૂરી કાયદાકીય માહિતી તથા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

 

મહિલાએ હાલ તાત્કાલિક વધુ કાર્યવાહી કરવાની ઇચ્છા દર્શાવી નહોતી. અભયમ ટીમે તેમને ભવિષ્યમાં ફરી કોઈ મુશ્કેલી કે અસુરક્ષાની પરિસ્થિતિ ઊભી થાય તો નિઃસંકોચ 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

 

આમ, સુરત ઉમરા 181 અભયમ ટીમે મહિલાની રજૂઆતના આધારે સમયસર સ્થળ પર પહોંચી કાઉન્સેલિંગ, કાયદાકીય માહિતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી મહિલાને સહાય કરી હતી.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

______________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *