મંત્રીશ્રી પટેલે માતાને કહ્યું, દીકરાને ખૂબ ભણાવજો, એ તમારું અને દેશનું નામ રોશન કરશે

0
મંત્રીશ્રી પટેલે માતાને કહ્યું, દીકરાને ખૂબ ભણાવજો, એ તમારું અને દેશનું નામ રોશન કરશે
Contact News Publisher

શિક્ષણના નવા અધ્યાયની શરૂઆત સાથે ડોલારા ગામમાં મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના સ્નેહભર્યા અભિગમે એક માતાના હૃદયને સ્પર્શી લીધું

— 

શાળા પ્રવેશોત્સવમાં મંત્રીશ્રી કમલેશભાઈ પટેલે બાળકને યુનિફોર્મ અને બેગ અર્પણ કરી આશિર્વાદ આપ્યા

— 

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 25. :- તાપી જિલ્લામાં યોજાયેલા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો ત્રીજો અને અંતિમ દિવસ અનેક લાગણીસભર ક્ષણોનો સાક્ષી બન્યો હતો. વ્યારા તાલુકાની પ્રાથમિક શાળા ડોલારા ખાતે રાજ્યકક્ષાના નાણામંત્રીશ્રી કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન એક એવો પ્રસંગ સર્જાયો, જેણે સૌના હૃદયને સ્પર્શી લીધું હતું.

 

શાળાના આંગણે બાળકોના નવા સપનાઓની શરૂઆત થઈ રહી હતી. નવા યુનિફોર્મ, નવી બેગ અને આંખોમાં ભવિષ્યના નવા રંગો સાથે બાળકો ખુશીથી શાળામાં પ્રવેશી રહ્યા હતા. એ જ સમયે ડોલારા ગામની સંગીતાબેન ગામીત પોતાના નાનકડા દીકરાને તેડીને શાળાના આંગણે પહોંચ્યા હતા. એક માતાના મનમાં પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે અનેક આશાઓ અને સપનાઓ છલકાઈ રહ્યા હતા.

 

આ દરમિયાન તાપી જિલ્લાની મુલાકાતે આવેલા નાણામંત્રીશ્રી કમલેશભાઈ પટેલની નજર મા-દીકરાની આ લાગણીસભર ક્ષણ પર પડી હતી. મંત્રીશ્રી બાળક અને માતા પાસે ગયા અને એક વડીલની જેમ પ્રેમભર્યા શબ્દોમાં કહ્યું, બહેન, ચિંતા ન કરશો… દીકરાને ખૂબ ભણાવજો. શિક્ષણ જ તેના જીવનને નવી દિશા આપશે. તે આગળ વધશે તો તમારું અને દેશનું નામ રોશન કરશે.

 

આટલું કહી મંત્રીશ્રીએ બાળકને પ્રેમથી નવો યુનિફોર્મ અને સ્કૂલ બેગ અર્પણ કર્યા હતા. બાળક પ્રત્યેનો તેમનો સ્નેહ અહીં અટક્યો નહોતો; તેમણે બાળકને પોતાના હાથે સુખડી ખવડાવી મોઢું મીઠું કરાવ્યું અને માથા પર હાથ મૂકી ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા હતા.

 

એક સામાન્ય પરિવારમાંથી આવતી માતા માટે આ ક્ષણ ખૂબ જ વિશેષ બની હતી. પોતાના ગામમાં રાજ્યના મંત્રીને આટલી સહજતા, આત્મીયતા અને લાગણી સાથે પોતાના બાળકને પ્રોત્સાહિત કરતા જોઈ સંગીતાબેનની આંખોમાં ખુશીના ભાવ ઝળકી ઉઠ્યા હતા.

 

આ પ્રસંગે સંગીતાબેન ગામીતે ભાવુકતા સાથે જણાવ્યું કે, હું ડોલારા ગામની રહેવાસી છું. આજે અમારા ગામમાં મંત્રી સાહેબ આવ્યા અને મારા બાળકને યુનિફોર્મ તથા બેગ આપી. મારા બાળકનો આંગણવાડીમાં પ્રવેશ થયો છે. તેના ભવિષ્ય માટે મંત્રી સાહેબે જે માર્ગદર્શન આપ્યું તે મારા માટે ખૂબ જ મોટી વાત છે.

 

શાળા પ્રવેશોત્સવ માત્ર પ્રવેશનો કાર્યક્રમ નથી, પરંતુ બાળકોના સપનાઓને નવી ઉડાન આપવાનો સંકલ્પ છે. ડોલારા ગામમાં સર્જાયેલો આ પ્રસંગ એ વાતનો જીવંત ઉદાહરણ બન્યો કે વિકાસની સાથે સંવેદનશીલતા અને માનવીય લાગણી પણ એટલી જ મહત્વપૂર્ણ છે.

 

મંત્રીશ્રી કમલેશભાઈ પટેલનો આ સાદગીભર્યો અને સ્નેહસભર અભિગમ એ સંદેશ આપે છે કે સરકાર છેવાડાના સામાન્ય નાગરિકના સુખ-દુઃખમાં તેની સાથે ઊભી છે. ડોલારા ગામ અને સંગીતાબેનના પરિવાર માટે શાળા પ્રવેશોત્સવનો આ દિવસ જીવનભરની યાદગાર સ્મૃતિ બની રહેશે.

આલેખન – સંગીતા ચૌધરી

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *