૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓ માટે સુવર્ણ તક : તાપીમાં જિલ્લા કક્ષા યોગાસન તાલીમ શિબિર યોજાશે

૭ દિવસીય નિવાસી શિબિરમાં ૩૦ યુવક-યુવતીઓની થશે પસંદગી, ૨૫ જૂન સુધી અરજી કરવાની તક
–
(માહિતી બ્યૂરો દ્વારા, તાપી) : તા. ૧૯: યોગ દ્વારા સ્વસ્થ શરીર, શાંત મન અને આત્મવિશ્વાસપૂર્ણ જીવન જીવવાની કળા શીખવા ઇચ્છુક તાપી જિલ્લાના યુવક-યુવતીઓ માટે જિલ્લા કક્ષા યોગાસન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના માર્ગદર્શન હેઠળ યોજાનારી આ શિબિરમાં ૧૫ થી ૩૫ વર્ષની વયના યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે.
શિબિરમાં યોગના વિવિધ આસનો, પ્રાણાયામ, ધ્યાન તથા તંદુરસ્ત જીવનશૈલી અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. યોગના નિયમિત અભ્યાસથી શારીરિક તંદુરસ્તી, માનસિક એકાગ્રતા અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે. આ તાલીમ યુવાનોને સ્વસ્થ અને સકારાત્મક જીવન તરફ આગળ વધવામાં મદદરૂપ બનશે.
જિલ્લામાંથી કુલ ૩૦ યુવક-યુવતીઓની પસંદગી કરીને ૭ દિવસીય નિવાસી તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારોએ પોતાનું નામ, સરનામું અને મોબાઇલ નંબર સાથેની અરજી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જિલ્લા સેવા સદન, પાલવાડી, બ્લોક નં. ૫, પ્રથમ માળ, વ્યારા ખાતે તા. ૨૫ જૂન, ૨૦૨૬ સુધીમાં જમા કરાવવાની રહેશે.૨૫ જૂન બાદ આવનાર અરજી સ્વીકારવામાં આવશે નહિ જેની સૌએ નોંધ લેવી.
વધુ માહિતી માટે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીનો સંપર્ક સાધવા જિલ્લા યુવા વિકાસ અધિકારી તાપીની અખબારી યાદીમાં જણાવ્યું છે.
૦૦૦૦
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
