તાપી જિલ્લામાં ઠેર ઠેર ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ભવ્ય ઉજવણી

વિવિધ તાલુકાઓમાં ગ્રામસભાઓ, વૃક્ષારોપણ અને મહાસફાઈ અભિયાન યોજાયા
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૫ : ૫મી જૂન ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે તાપી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતાના સંદેશ સાથે વ્યાપક લોકજાગૃતિ, ગ્રામસભાઓ, મહાસફાઈ ઝુંબેશ અને સઘન વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયા હતા.
ઉચ્છલ ગ્રામ પંચાયત ખાતે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત બિરસા મુંડા સર્કલની આસપાસ ગ્રામજનો દ્વારા વ્યાપક સાફ-સફાઈ કરવામાં આવી હતી. આ શ્રમદાન કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને સ્થાનિક સરપંચશ્રીએ ખાસ ઉપસ્થિત રહીને ગ્રામજનોનો ઉત્સાહ વધાર્યો હતો.
વ્યારા તાલુકાના ભાટપુર ગામે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના સરપંચશ્રી અને ગ્રામજનો દ્વારા પંચાયત વિસ્તારમાં ઉત્સાહભેર વૃક્ષારોપણ કરી છોડના જતન માટેના સંકલ્પ લેવાયા હતા.
ડોલવણ બ્લોકના ગરવણ ગામે સરપંચશ્રી, તલાટી કમ મંત્રી અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં ગ્રામસભા અને વૃક્ષારોપણ યોજાયું હતું. જ્યારે કરંઝખેડ ગામે યોજાયેલા કાર્યક્રમમાં સરપંચશ્રી સાથે તાલુકા પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો પર્યાવરણ સુરક્ષાના શપથ સાથે વૃક્ષારોપણમાં જોડાયા હતા.
સોનગઢના ધામોડી અને વાલોડના ગોલણ ગામ ખાતે પણ પર્યાવરણ દિનની થીમ આધારિત ગ્રામસભાઓનું આયોજન કરાયું હતું. આ બંને સ્થળોએ સ્થાનિક સરપંચશ્રી, તલાટી કમ મંત્રીશ્રીઓ અને સ્થાનીય નાગરિકોએ સાથે મળીને હરિયાળી ક્રાંતિના ભાગરૂપે કચેરી તેમજ જાહેર પરિસરોમાં છોડ રોપ્યા હતા.
કુકરમુંડા તાલુકાના પિસાવર ગામે ગ્રામસભા તેમજ સફાઈ ઝુંબેશ હાથ ધરાયો હતો. નિઝર તાલુકાના સરવાલા ગ્રામ પંચાયત ખાતે પણ પર્યાવરણ સંરક્ષણના આશય સાથે ખાસ ગ્રામસભાનું આયોજન કરી જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ દ્વારા કરવામાં આવેલી કામગીરી લોકોમાં સ્વચ્છતાનો પ્રેરક સંદેશ આપ્યો છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી નેતૃત્વમાં શરૂ થયેલું આ મિશન આજે ‘જનભાગીદારીથી જનઆંદોલન’ બની ગયું છે. જ્યારે દેશનો પ્રત્યેક નાગરિક પોતાના ઘર, મહોલ્લા અને ગામની સફાઈ માટે જાતે પાવડો-સાવરણો હાથમાં લે છે, ત્યારે જ વહીવટી તંત્રના પ્રયાસોને ખરી તાકાત મળે છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
