તાપી જિલ્લાનો જન ભાગીદારીથી ટીબી મુક્ત ભારત તરફ પ્રયાણ
૮૧ જેટલા જાગૃત નિક્ષય મિત્રોએ ૫૦૦ જેટલા ટીબીના દર્દીઓને દત્તક લઈને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
==
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 23 :- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૦૨૫ સુધીમાં ભારતને ટીબી મુક્ત કરવાના આહવાનને ઝીલી લઈને તાપી જિલ્લો એક મજબૂત મિશન પર આગળ વધી રહ્યો છે. જિલ્લામાં જન ભાગીદારી હવે એક જન આંદોલનમાં પરિવર્તિત થઈ ચૂકી છે, જેમાં સરકારી તંત્રની સાથે સામાન્ય નાગરિકો પણ ખભેખભો મિલાવીને કામ કરી રહ્યા છે. તાપીના ૮૧ જેટલા જાગૃત ‘નિશ્ચય મિત્રો’ એ ૫૦૦ જેટલા ટીબીના દર્દીઓને દત્તક લઈને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ટીબી જેવા હઠીલા રોગને નાથવા માટે તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં અત્યાધુનિક ‘ટ્રુ-નાટ’ મશીનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ મશીન માત્ર એક કલાકમાં ટીબીના બેક્ટેરિયાની ઓળખ કરવાની સાથે તે સાદો ટીબી છે કે ‘મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ’ છે તેની પણ સચોટ જાણકારી આપે છે. આ ઉપરાંત, ભારત સરકાર દ્વારા મળેલા હેન્ડ હેલ્ડ એક્સ-રે મશીન દ્વારા અત્યાર સુધીમાં અંદાજે ૮૦૦૦ જેટલા શંકાસ્પદ દર્દીઓની તપાસ કરી વહેલી તકે સારવાર શરૂ કરવામાં આવી છે.
ટીબીની સારવારમાં દવાઓની સાથે પૌષ્ટિક આહાર અનિવાર્ય હોવાથી NPCIL કાકરાપાર દ્વારા નિશ્ચય મિત્ર બનીને ૫૦૦ દર્દીઓને દર મહિને ન્યુટ્રિશન કીટ આપવામાં આવે છે. આ આર્થિક અને શારીરિક સહયોગની સાથે ‘My Bharat’ વોલેન્ટિયર્સ દ્વારા દર્દીઓને ‘સાયકોસોશિયલ સપોર્ટ’ એટલે કે માનસિક હુંફ પણ પૂરી પાડવામાં આવે છે. જિલ્લાના ૩૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને તાલુકા કક્ષાની હોસ્પિટલોમાં નિઃશુલ્ક સારવાર અને નિદાનની શ્રેષ્ઠ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જિલ્લામાં હાલ કુલ ૧૦૨૩ ટીબીના દર્દીઓ સારવાર હેઠળ છે, જેમના માટે આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ કાર્યરત છે. જિલ્લાના જાગૃત નાગરિકોએ જે રીતે એકતા અને ભાઈચારાનો પરિચય આપીને દર્દીઓની સારસંભાળ રાખવાનું બીડું ઝડપ્યું છે, તેનાથી ‘ટીબી મુક્ત તાપી’ ની પરિકલ્પના હવે સાકાર થતી જણાય છે. “ટીબી હારેગા તો હી દેશ જીતેગા” ના મંત્ર સાથે તાપી જિલ્લો સમગ્ર રાજ્ય માટે પ્રેરણારૂપ બન્યો છે…
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
