રૂ. ૧૧.૮૭ કરોડના ખર્ચે નવનિર્મિત થનાર ગર્લ્સ હોસ્ટેલનું રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતના હસ્તે ખાતમુહૂર્ત કરાયું 

Contact News Publisher

૧૨૦ વિદ્યાર્થીનીઓની ક્ષમતા ધરાવતી નવી હોસ્ટેલથી અંતરિયાળ વિસ્તારની દીકરીઓના ઉચ્ચ શિક્ષણને વેગ મળશે

— 

ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ : રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીત 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.19 :- રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતે ગુરુવારે સરકારી સાયન્સ કોલેજ, સોનગઢ ખાતે શિક્ષણ વિભાગ દ્વારા મંજૂર કરાયેલી રૂ. ૧૧.૮૭ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ગર્લ્સ હોસ્ટેલનું વિધિવત ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કર્યું હતું.

આ પ્રસંગે રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે, તાપી જિલ્લાના વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે આ હોસ્ટેલની સુવિધા એક નવું સોપાન સાબિત થશે. તેમણે ઉમેર્યું હતું કે, તાપી જિલ્લામાં શિક્ષણનું સ્તર પહેલેથી જ પ્રશંસનીય છે, પરંતુ આવી આધુનિક સુવિધાઓના નિર્માણથી આગામી સમયમાં જિલ્લાના શૈક્ષણિક સ્તરમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે.

સરકારી સાયન્સ કોલેજ ખાતે નિર્માણ પામનારી આ અત્યાધુનિક ગર્લ્સ હોસ્ટેલ કુલ ૧૨૦ વિદ્યાર્થીનીઓની ક્ષમતા ધરાવતી હશે. આ હોસ્ટેલમાં કિચન કમ ડાયનિંગ હોલ, કોમન હોલ, કોમ્પ્યુટર લેબ અને આધુનિક ફર્નિચર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. આ ઉપરાંત, હોસ્ટેલ પરિસરમાં ઇન્ટરનલ રોડ, પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા, પાર્કિંગની સુવિધા અને સુરક્ષા માટે અત્યાધુનિક ફાયર સિસ્ટમ સહિત રહેવા-જમવાની તમામ સુવિધાઓથી આ ભવન સજ્જ હશે.

આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખશ્રી સારિકાબેન પાટીલ, વ્યારા પ્રાંત અધિકારીશ્રી સંદીપભાઈ ગાયકવાડ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ, હોદ્દેદારો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *