તાપી જિલ્લામાં ‘મિશન લાઈફ’ અભિયાનનો સાયક્લોથોન સાથે શાનદાર સમાપન
પર્યાવરણ પ્રેમીઓએ પર્યાવરણ સુરક્ષા અને ટકાઉ જીવનશૈલીનો સંદેશ આપ્યો
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 17 :- તાપી જિલ્લામાં પર્યાવરણ સુરક્ષા અને ટકાઉ જીવનશૈલીને પ્રોત્સાહિત કરવાના હેતુથી તા. 16 અને 17 દરમિયાન બે દિવસીય ‘મિશન લાઈફ’ અભિયાન અંતર્ગત વિવિધ રમતગમત, ક્લાત્મક પ્રવૃત્તિ સહિત સાયકલોથોનનું આયોજન કરાયું હતું. તાપી જિલ્લામાં સાયક્લોથોન સાથે મિશન લાઈફનું સમાપન કરાયું હતું.
વ્યારાના સયાજી ગ્રાઉન્ડ ખાતેથી સાયક્લોથોનનો પ્રારંભ થયો હતો. જેમાં વિદ્યાર્થીઓ, યુવાનો તેમજ પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ નાગરિકોએ સક્રિય ભાગ લઈ 10 થી 20 કિલોમીટર સુધીની સાયકલ સફર કરી હતી. આ સાયક્લોથોન દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે વ્યક્તિગત જવાબદારી નિભાવવાની પ્રેરણા આપવામાં આવી હતી.
આ સાયક્લોથોનનો મુખ્ય હેતુ નાગરિકોમાં કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા અંગે જાગૃતિ લાવવાનો તેમજ દૈનિક જીવનમાં પર્યાવરણમૈત્રીપૂર્ણ વિકલ્પોને અપનાવવા પ્રોત્સાહિત કરવાનો હતો. સાયકલિંગ જેવી સરળ અને સ્વસ્થ પ્રવૃત્તિ દ્વારા લોકોમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ વધારવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડો. વિપીન ગર્ગ સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત, વિવિધ વિભાગોના કર્મચારીઓ, યુવાનો અને પર્યાવરણપ્રેમી નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સૌએ પેડલ ફેરવીને પર્યાવરણમૈત્રીપૂર્ણ પરિવહન અપનાવવાનો સંદેશ આપ્યો હતો. અંતે સાયકલિસ્ટોને મેડલ આપી સન્માનિત કરાયા હતા.
‘મિશન લાઈફ’ અભિયાન અંતર્ગત યોજાયેલા વિવિધ કાર્યક્રમોને તાપી જિલ્લાના નાગરિકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. સાયક્લોથોનના માધ્યમથી પર્યાવરણ સુરક્ષા અને સ્વસ્થ જીવનશૈલી અંગેનો સંદેશ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવામાં સફળતા મળી હતી.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
