સંકટ સમયની સાચી સખી ‘૧૮૧ અભયમ’ સેવાના ૧૨ વર્ષ પૂર્ણ

181

Contact News Publisher

૧૮૧ હેલ્પલાઈન નંબર રાજ્યની લાખો મહિલાઓ માટે મજબૂત સુરક્ષા કવચ

***********************

૧૨ વર્ષમાં કુલ ૧૮.૧૦ લાખથી વધુ મહિલાઓને જરૂરી સલાહ અને માર્ગદર્શન આપી સશક્ત કરાઈ

 

ગંભીર પરિસ્થિતિમાં મુકાયેલી ૧,૦૯,૮૮૬ મહિલાઓનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેમને સુરક્ષિત આશ્રયસ્થાને પહોંચાડાઈ

 

હેલ્પલાઈન દ્વારા ૨.૨૯ લાખ કિસ્સાઓમાં કાઉન્સિલિંગ દ્વારા વિવાદોનો સ્થળ પર જ સુખદ નિકાલ

 

૧૮૧ મોબાઈલ એપના ‘પેનિક બટન’ અને ‘ફોન શેકિંગ’ જેવા ફીચર્સ મુશ્કેલીના સમયે ફોન કર્યા વગર પણ મહિલાઓને હેલ્પલાઈન સેન્ટર સુધી પહોંચાડે છે

***********************

સુરત જિલ્લાના આંકડા:-

સુરત જિલ્લા માં છેલ્લા ૧૨ વર્ષનાં સમયગાળાની સફળ કામગીરી દરમ્યાન ૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પલાઈન દ્વારા સૂરત જિલ્લામાં કુલ ૧૩૮૧૩૭ જેટલા કિસ્સાઓમાં મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ- સુચન, માર્ગદર્શન અને બચાવની મદદ પુરી પાડેલ છે. અને ૧૮૧‘અભયમ’ એ અનેક માહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે. તેમજ તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર ૧૮૧ અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલરસહિતની ટિમ જઇ ને ૨૭૫૨૧ જેટલી મહિલાઓને મદદ પુરી પાડેલ છે.

સુરત જીલ્લામાં વર્ષ 2025 દરમિયાન 15009 જેટલા જરૂરિયાતમંદ મહિલાઓના કોલ આવેલ જેમાંથી 2735 કિસ્સાઓમાં અભયમ રેસ્ક્યુ વાન ડિસ્પેચ કરવામાં આવેલ. આ કેસમાં સમાધાન 1838 અને 734 કેસમાં મહિલાઓને બચાવ અર્થે વિવિધ એજન્સીઓમાં રિફર કરવામાં આવ્યા હતા. કુલ કોલમાં કસ્ટડીના 249, ઘરેલુ હિંસાના 7262, લગ્ન જીવનના વિખવાદો 1146, જનરલ માહિતી અને સરકારી મહિલાલક્ષી યોજનાઓની પ્રાથમિક માહિતીના 353, શારીરિક, માનસીક, જાતીય હેરાનગતીના 2125, પરીવાર છોડેલ 373, અન્ય સબંધોના 326, કાયદાકીય માર્ગદર્શન 219, બીનજરૂરી કોલ મેસેજથી હેરાનગતિનાં 382 અને અન્ય મહિલાલક્ષી પ્રશ્નોના 2363 જેટલા કોલ આવ્યાં હતાં. વર્ષ દરમિયાન જીલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, નારી સંરક્ષણ ગૃહ, ઓ.એસ.સી, પી.બી.એસ.સી, આશ્રય ગૃહ અને સ્થાનિક સંસ્થાઓ અને કાર્યકરો તરફથી નોંધપાત્ર સહયોગ મળી રહ્યો હતો આમ અભયમ ટીમ દ્વારા લગ્નજીવન અને લગ્ન બહારના સબંધો, ઘરેલું હિંસા, શારીરિક માનસિક અને જાતિય સતામણી અને બીનજરૂરી કોલ મેસેજથી હેરાન થતા મહિલાઓ, યુવતીઓ અને વિદ્યાર્થીનીઓના જીવનમાં આવેલ આપતીમાં મદદ, માર્ગદર્શન અને બચાવ દ્વારા મહિલા સલામતી, શાંતિ અને પારીવારીક, સામાજિક એકતા અને સુલેહ માટે પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું હતું.

ગુજરાત એટલે શાંતિ, સલામતી અને સમૃદ્ધિનું પર્યાય. રાજ્યમાં વસતી પ્રત્યેક મહિલા પોતે સુરક્ષિત અનુભવે અને મુશ્કેલીના સમયે તેને કોઈ મજબૂત સાથ મળે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર સતત કાર્યશીલ છે. આ વર્ષે ૮મી માર્ચ, ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ના રોજ ગુજરાતની મહિલાઓની સુરક્ષાની કરોડરજ્જુ સમાન ‘૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન’ પોતાની સફળ સેવાના ૧૨ વર્ષ પૂર્ણ કરી રહી છે ત્યારે આવો જાણીએ તેની કામગીરી અને સિદ્ધીઓ વિશે.

મહિલાઓ વિરુદ્ધ થતી ઘરેલુ હિંસા હોય કે જાહેર સ્થળે થતી છેડતી, ગુજરાત સરકારે ટેકનોલોજી અને સંવેદનાનો સમન્વય સાધીને ૮ માર્ચ ૨૦૧૫ના રોજ ‘૧૮૧ અભયમનો રાજ્યવ્યાપી પ્રારંભ કર્યો હતો. આજે આ હેલ્પલાઈન માત્ર એક નંબર નથી, પણ લાખો મહિલાઓ માટે મજબૂત સુરક્ષા કવચ બની છે.

ગુજરાત રાજ્યના આંકડા:-

છેલ્લા ૧૨ વર્ષમાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ગુજરાતની મહિલાઓ માટે એક મજબૂત સુરક્ષા કવચ સાબિત થઈ છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા ૧૨ વર્ષમાં કુલ ૧૮,૧૦,૯૧૩ થી વધુ મહિલાઓને જરૂરી સલાહ અને માર્ગદર્શન પૂરું પાડીને તેમને સશક્ત કરવામાં આવી છે. આ સેવા માત્ર ફોન પૂરતી સીમિત ન રહેતા, ૩,૬૦,૯૬૪ જેટલા કિસ્સાઓમાં અભયમની ટીમે ઘટના સ્થળ પર જઈને મહિલાઓને તાત્કાલિક મદદ પહોંચાડી છે.

આ ઉપરાંત ૧૮૧ ટીમની કુશળતાને કારણે ૨,૨૯,૬૬૦ કિસ્સાઓમાં કાઉન્સિલિંગ દ્વારા વિવાદોનો સ્થળ પર જ સુખદ નિકાલ લાવવામાં આવ્યો છે. સૌથી પ્રશંસનીય બાબત એ છે કે, અત્યંત જોખમી પરિસ્થિતિમાં મુકાયેલી ૧,૦૯,૮૮૬ મહિલાઓનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેમને સુરક્ષિત આશ્રયસ્થાન સુધી પહોંચાડવામાં આવી છે.

ગુજરાત સરકારના ગૃહ વિભાગ અને મહિલા-બાળ વિકાસ વિભાગના અદભૂત સંકલનથી આજે રાજ્યની મહિલાઓ માટે ટેકનોલોજીથી સજ્જ એક અભેદ્ય સુરક્ષા માળખું તૈયાર થયું છે. ૨૪x૭ કાર્યરત આ સેવામાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને તાલીમબદ્ધ કાઉન્સિલર્સની ટીમ દિવસ-રાત ફરજ નીભાવે છે. રાજ્યમાં દોડતી ૫૯ અત્યાધુનિક અભયમ રેસ્ક્યુ વાન માત્ર વાહન નથી, પણ જીપીએસ ટ્રેકિંગથી સજ્જ એક મોબાઈલ સુરક્ષા કેન્દ્ર છે, જે દેશભરમાં એક નવતર પહેલ ગણાય છે.

ડિજિટલ યુગમાં મહિલાઓની સુરક્ષાને વધુ સ્માર્ટ બનાવતા ‘૧૮૧ મોબાઈલ એપ’ માં આપવામાં આવેલા ‘પેનિક બટન’ અને ‘ફોન શેકિંગ’ જેવા ફીચર્સ મહિલાઓને મુશ્કેલીના સમયે ફોન કર્યા વગર પણ પોતાનું ચોક્કસ લોકેશન હેલ્પલાઈન સેન્ટર સુધી પહોંચાડે છે. આમ, પરંપરાગત મદદ અને આધુનિક ટેકનોલોજીના સંગમથી ગુજરાતની નારી આજે આત્મવિશ્વાસ સાથે પોતાને વધુ સુરક્ષિત અનુભવે છે.

આ હેલ્પલાઈન માત્ર હિંસા જ નહીં, પણ સાયબર ગુનાઓ, લગ્ન જીવનના વિખવાદો, કાનૂની જોગવાઈઓ અને સરકારી યોજનાઓની માહિતી પણ પૂરી પાડે છે. મહત્વની વાત એ છે કે, મદદ માંગનાર મહિલાની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે છે. ગુજરાતમાં રહેતી અન્ય રાજ્યની મહિલાઓ પણ આ સેવાનો નિ:શુલ્ક લાભ લઈ શકે છે.

નારી સુરક્ષા એ જ અમારી પ્રાથમિકતાના લક્ષ્યાંક સાથે ગુજરાત સરકાર કામ કરી રહી છે. આજે ૧૮૧ અભયમ હેલ્પલાઈન દ્વારા રાજ્યની દીકરીઓ અને મહિલાઓ ખરા અર્થમાં ‘અભય’ બનીને પ્રગતિના પંથે આગળ વધી રહી છે.

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other