કામરેજનાં વલથાણ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન અંતર્ગત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ
જાગૃતિ કપ-૨૦૨૬: ઓલપાડ તાલુકાની મહિલા ક્રિકેટ ટીમ સતત છઠ્ઠીવાર ચેમ્પિયન બની
૮ માર્ચ: જોગાનુજોગ સ્વ. જાગૃતિબેનની પ્રથમ માસિક પુણ્યતિથિ તથા મહિલાદિનનો સંયોગ રચાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પ્રવર્તમાન સમયમાં રમત-ગમત જેવાં ક્ષેત્રોમાં પણ મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે. આ હકીકતને વેગ આપવા તથા મહિલા ઉત્થાન અને સન્માનનાં શુભ હેતુસર સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કામરેજ તાલુકાનાં વલથાણ સ્થિત એસ.યુ.વી. ઈન્ટરનેશનલ સ્કૂલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આકસ્મિક મૃત્યુ પામેલ ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહિલા ઉપપ્રમુખ સ્વ. જાગૃતિબેન પટેલને શ્રદ્ધાંજલિરૂપે આજની આ ટુર્નામેન્ટ ‘જાગૃતિ કપ-૨૦૨૬’ નામે યોજવામાં આવી હતી, જેમાં સુરત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતી શિક્ષિકા બહેનોએ ઉત્સાહ અને ગૌરવભેર ભાગ લીધો હતો. ટુર્નામેન્ટનું ઉદ્દઘાટન જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિનાં અધ્યક્ષ ભારતીબેન રાઠોડનાં હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કામરેજ તાલુકા પંચાયત પ્રમુખ રેખાબેન પટેલ, ઉપપ્રમુખ હર્ષદભાઈ ઢોડીયા, કારોબારી સમિતિ અધ્યક્ષ તેજલબેન મિસ્ત્રી, સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ પુષ્પાબેન પરમાર, દંડક મંજુલાબેન રાઠોડ, પોલીસ ઇન્સ્પેક્ટર એ.પી.નકુમ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી તથા યજમાન શાળાનાં ટ્રસ્ટી ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
ટુર્નામેન્ટનાં પ્રારંભે સ્વ.જાગૃતિબેનનાં આત્માની ચિર શાંતિ અર્થે બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું. કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ સીરાજભાઈ મુલતાનીએ ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ તકે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઇ પટેલે ખેલાડીઓ તથા દર્શકોને સંબોધતાં જણાવ્યું હતું કે આધુનિક યુગમાં રૂઢિચુસ્ત રિવાજોને અવગણીને મહિલાઓ આજે વિવિધ ક્ષેત્રે સ્વબળે વિકાસનાં આકાશમાં ઉડાન ભરી રહી છે. તેમણે સ્વ. જાગૃતિબેનની વહીવટી કુશળતા, સમરસતા, સામાજિક પ્રવૃત્તિઓ ઉપરાંત પારિવારીક જવાબદારીઓ વચ્ચે તેમની સંગઠન માટેની નિ:સ્વાર્થ સેવા ભાવનાને ટાંકીને ઉમેર્યુ હતું કે જાગૃતિબેને નારી શક્તિને ખરા અર્થમાં ઉજાગર કરી બતાવી છે.
સદર ટૂર્નામેન્ટમાં તમામ લીગ મેચોનાં અંતે પ્રથમ સેમીફાઇનલ ઓલપાડ અને ચોર્યાસી વચ્ચે રમાઇ હતી, જેમાં ઓલપાડની ટીમ વિજેતા બની હતી. જયારે બીજી સેમીફાઇનલ માંડવી અને માંગરોલ વચ્ચે રમાઇ હતી, જેમાં માંગરોલની ટીમ વિજેતા બની હતી. અંતમાં ફાઇનલ મેચ ઓલપાડ અને માંગરોલ વચ્ચે રમાઇ હતી. ઓલપાડની ટીમે પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત ૮ ઓવરમાં ૧ વિકેટે ૭૨ રન કર્યા હતાં. જે ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી માંગરોલની ટીમ ૮ ઓવરમાં ૫ વિકેટે ૫૨ રન બનાવી શકી હતી. આમ ઓલપાડની ટીમનો ૨૦ રને ભવ્ય વિજય થયો હતો. ટીમ ઓલપાડે આ સિદ્ધિ સ્વ.જાગૃતિબેનને સમર્પિત કરી હતી. સમાપન સમારોહમાં સ્વ. જાગૃતિબેનની સુપુત્રીઓ હની-ધ્વનિ તથા સુપુત્ર પ્રિન્સની ઉપસ્થિતિમાં ફાઇનલ મેચનાં બેસ્ટ બોલર ભૂમિકા પટેલ (મોરમુખ્ય પ્રા. શાળા), બેસ્ટ બેટ્સવુમન ઓફ ધ મેચ અને વુમન ઓફ ધ સીરીઝ તરીકેનો ખિતાબ મેળવનાર નેહલ મહીડા (અંબિકાનગર પ્રા.શાળા) સહિત ચેમ્પિયન ટીમ તથા રનર્સઅપ ટીમને ઉપસ્થિત મહેમાનોનાં હસ્તે ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી.
ટુર્નામેન્ટને સફળતાપૂર્વક પાર પાડવા કામરેજ પ્રાથમિક શિક્ષક સંઘનાં સિનિયર કાર્યવાહક પ્રમુખ અને સદર ટુર્નામેન્ટનાં કન્વીનર એવાં સાગરસિંહ ચૌહાણ તથા તથા સંઘનાં હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી. ઉદઘોષક કમ કોમેન્ટરર તરીકે યાસીન મુલતાનીએ ઉત્કૃષ્ટ સેવા બજાવી હતી. અંતમાં સૌ મહિલા ખેલાડીઓનો આભાર વ્યક્ત કરતાં કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી મહેશભાઈ હીરપરાએ આવનારા દિવસોમાં પણ આજ રીતે આત્મવિશ્વાસ સાથે અન્ય ક્ષેત્રે પણ પડકારો ઝીલવા આહવાન કર્યું હતું. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
