મિશન મંગલમ યોજના હેઠળ નાલોઠાનું ‘પ્રગતિ સખી મંડળ’ બન્યું આર્થિક રીતે સક્ષમ
રૂ. ૫ લાખની કેશ ક્રેડિટ લોનથી ગ્રામીણ મહિલાઓના સપનાઓને મળશે પાંખો – ‘પ્રગતિ સખી મંડળ’ના પ્રમુખશ્રી હેમલતાબેન ચૌધરી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 02. :- રાજ્ય સરકારના મિશન મંગલમ હેઠળ ગ્રામીણ વિસ્તારની મહિલાઓ સંગઠિત બની આર્થિક રીતે સ્વાવલંબી બની રહી છે. રવિવારે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના નાલોઠા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ‘પ્રગતિ સખી મંડળ’ ને મિશન મંગલમ યોજના અંતર્ગત રૂ. ૫ લાખની કેશ ક્રેડિટ લોનનો ચેક તાપી જિલ્લા પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ‘પ્રગતિ સખી મંડળ’ના પ્રમુખશ્રી હેમલતાબેન ચૌધરીએ જણાવ્યું કે, અમારા મંડળને મળેલી રૂ. ૫ લાખની કેશ ક્રેડિટ લોનથી અમે પોતપોતાના નાના ગૃહ ઉદ્યોગો કે પશુપાલન જેવા વ્યવસાયોને વધુ વેગ આપી શકીશુ. આ લોનની મદદથી અમે મંડળની અન્ય જરૂરિયાતમંદ બહેનોને પણ અલગ-અલગ રીતે મદદરૂપ થઈશું, જેથી તેઓ પણ આર્થિક રીતે પગભર બની પોતાના પરિવારને ટેકો આપી શકે…
ઉલ્લેખનીય છે કે, આ મંડળનો મુખ્ય આશય ગ્રામીણ મહિલાઓને નાની બચત દ્વારા આત્મનિર્ભર બનાવવાનો છે. રાજ્ય સરકાર દ્વારા કાર્યરત મિશન મંગલમ યોજના હેઠળ સખી મંડળોને બેંક લિંકેજ અને રિવોલ્વિંગ ફંડ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. સરકાર દ્વારા મળેલી રૂ. ૫ લાખની આ કેશ ક્રેડિટ લોન મંડળની બહેનો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ રકમનો ઉપયોગ મંડળની સભાસદ બહેનો પોતાના નાના-મોટા વ્યવસાયો શરૂ કરવા, ગૃહ ઉદ્યોગ વિકસાવવા અથવા ખેતીવાડી સંબંધિત જરૂરિયાતો પૂરી કરવા માટે કરી શકશે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
