નિઝર તાલુકાના ખેડૂતો શક્કરટેટીની ખેતીમાં અપનાવી રહ્યા છે આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિ

Contact News Publisher

મલ્ચિંગ, ડ્રીપ સિંચાઈ અને વોટર સોલ્યુબલ ખાતરથી વધ્યું ઉત્પાદન અને આવક

(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : :21. તાપી જિલ્લાના નિઝર તાલુકાના પ્રગતિશીલ ખેડૂતો શક્કરટેટી (મેલન)ના પાકમાં આધુનિક અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. આ પદ્ધતિઓના કારણે ઉત્તમ ગુણવત્તાવાળો અને વધુ ઉત્પાદન આપતો પાક મળી રહ્યો છે, જે ખેડૂતોની આવકમાં વધારો કરવા મદદરૂપ બની રહ્યો છે.

પરંપરાગત ખેતી પદ્ધતિને બદલે હવે ખેડૂતો મલ્ચિંગ પદ્ધતિ, ડ્રીપ સિંચાઈ પ્રણાલી અને વોટર સોલ્યુબલ ખાતરોનો વ્યાપક ઉપયોગ કરી રહ્યા છે. મલ્ચિંગ પદ્ધતિ દ્વારા જમીનમાં ભેજ જળવાઈ રહે છે, નિંદણનું પ્રમાણ ઘટે છે અને જમીનનું તાપમાન નિયંત્રિત રહે છે. પરિણામે છોડની વૃદ્ધિ ઝડપી બને છે અને ફળની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થાય છે.

ડ્રીપ સિંચાઈ પદ્ધતિથી પાણી સીધું જ છોડના મૂળ સુધી પહોંચાડવામાં આવે છે, જેના કારણે પાણીની બચત સાથે ખાતરનો અસરકારક ઉપયોગ શક્ય બને છે. આ પદ્ધતિ પાકને જરૂરી માત્રામાં જ પાણી અને પોષક તત્વો ઉપલબ્ધ કરાવે છે, જેથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે અને ઉપજમાં વધારો થાય છે.

વોટર સોલ્યુબલ ખાતરોના ઉપયોગથી પાકને સમયસર જરૂરી પોષક તત્વો પ્રાપ્ત થાય છે. પરિણામે ફળનો કદ, રંગ અને મીઠાશમાં સુધારો નોંધાય છે, જે બજારમાં વધુ માંગ અને સારો ભાવ મેળવવામાં સહાયક બને છે.

વિશેષ કરીને બાગાયત ખાતા દ્વારા મલ્ચિંગ અને વોટર સોલ્યુબલ ખાતર જેવા ઘટકો પર મળતી સહાય ખેડૂતો માટે લાભદાયી સાબિત થઈ છે. સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ ખેડૂતો વધુ આયોજનબદ્ધ અને વૈજ્ઞાનિક રીતે ખેતી તરફ આગળ વધી રહ્યા છે.

નિઝર તાલુકાના ખેડૂતોનો આ પ્રયાસ અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યો છે. વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી ગુણવત્તાસભર અને બજારમાં માંગવાળો શક્કરટેટીનો પાક ઉગાડી તેઓ ખેતીને વધુ નફાકારક વ્યવસાય તરીકે સ્થાપિત કરી રહ્યા છે.

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *