સરકાર સાથે થયેલ સમાધાન મુજબ પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધારાસભ્યને આવેદનપત્ર આપવામાં આવ્યું
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : રાજયનાં તમામ કર્મચારીઓનાં હિતમાં કેટલાંક ઉકેલ માંગતા પ્રશ્નો બાબતે ગુજરાત રાજ્ય સંયુકત કર્મચારી મોરચો, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આંદોલન કાર્યક્રમ આપવામાં આવેલ હતો. પડતર પ્રશ્નોનાં ઉકેલ માટે સરકારશ્રી દ્વારા બનાવાયેલ પાંચ મંત્રીશ્રીઓની કમિટી સાથે તા.૧૬/૦૯/ર૦રર નાં રોજ મિટીંગ યોજવામાં આવી હતી. જેમાં મહદ્અંશે પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવેલ હતું. થયેલ સમાધાન મુજબનાં મુખ્ય ત્રણ પ્રશ્નોનું આજદિન સુધી નિરાકરણ ન મળતાં આજરોજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં નિયત કાર્યક્રમ અને આદેશ મુજબ તાલુકા કક્ષાએ વિસ્તારનાં ધારાસભ્ય મુકેશભાઈ પટેલ (વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન, જળ સંશાધન અને પાણી પુરવઠા રાજ્ય મંત્રીશ્રી,ગુજરાત સરકાર)ને ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં વિનંતી સાથે જણાવાયું હતું કે અમારી માંગણીઓ પ્રતિ ગંભીરતાપૂર્વક વિચારણા કરી અમારી લાગણીઓ આ આવેદનપત્ર દ્વારા મુખ્યમંત્રી સુધી પહોંચાડવા નમ્ર રજૂઆત કરીએ છીએ.
સદર આવેદનપત્રમાં જણાવાયું હતું કે અમારી મુખ્ય ત્રણ માંગણીઓ (૧) તા.૦૧/૦૪/૨૦૦૫ પહેલાં ભરતી થયેલ કર્મચારીઓ હાલ નવી પેન્શન યોજનામાં છે તેમને થયેલ સમાધાન મુજબ જૂની પેન્શન યોજનામાં સમાવવા બાબત (૨) તા.૦૧/૦૪/૨૦૦૫ પછી ભરતી થયેલા કર્મચારીઓને સમાધાન મુજબ સી.પી.એફ.માં સરકારશ્રી દ્વારા ૧૦% ને બદલે ૧૪% ફાળો ઉમેરવામાં બાબત (૩) ૪૫ વર્ષની મર્યાદા બાદ કર્મચારીને પરીક્ષામાં મુકિત આપવી અને લાભ આપવા. આ બાબતે જે પરીક્ષા ન લેવાઈ હોય તેવા કિસ્સામાં ઉચ્ચતર પગાર ધોરણનો લાભ કેસ ટુ કેસ નિર્ણય કરવા બાબત. સમાધાનમાં નકકી થયેલ આ મુખ્ય ત્રણ માંગણીઓનાં ઝડપી નિરાકરણ સંદર્ભે અમો સહયોગ અને ઉચિત કાર્યવાહીની અપેક્ષા સાથે સમગ્ર શિક્ષક આલમ તથા કર્મચારી આલમ વતી આજરોજ આ આવેદનપત્ર પાઠવી રહ્યા છીએ.
ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલની આગેવાનીમાં સુરત સર્કિટ હાઉસ ખાતે સંઘનાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, કાર્યવાહક પ્રમુખ ગિરીશ પટેલ, નાણામંત્રી મહેન્દ્રસિંહ ગોહિલ સહિત તાલુકા સંઘનાં ઉપપ્રમુખો અને અન્ય હોદ્દેદારો આ આવેદનપત્ર પાઠવવા ઉપસ્થિત રહ્યા હતાં. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.